શહેરમાં હિસ્ટ્રીશીટર ભાવેશ વાણવીની હત્યાના બનાવને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. રૈયાધાર વિસ્તાર પાસે થયેલા જીવલેણ હુમલા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ભાવેશના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ચોકમાં લઈ જઈ મોટી સંખ્યામાં દલિત સમાજના વ્યક્તિઓ એકઠા થયા હતા. તેમજ જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશને ઘરે ન લઈ જવા બાબતે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો પોલીસ દ્વારા એકત્રિત થયેલા લોકોને વિખેરાઈ જવાનું કહેતા દલિત સમાજના આગેવાનો તેમજ કેટલાક વ્યક્તિઓ દ્વારા પોલીસની ફરજમાં રૂકાવટ પણ ઊભી કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ દ્વારા જરૂરી બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. બનાવમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે.
ડ્રીમ સિટી નજીક ભાવેશ વાણવી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તેને કારમાં અપહરણ કરી શીતલ પાર્ક નજીક રસ્તા પર ફેંકી દીધો હતો. ગંભીર હાલતમાં ભાવેશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુના સમાચાર બાદ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. મૃતદેહ સાથે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને આરોપીઓ ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ ઉગ્ર બનતાં ચક્કાજામ કરવાનો પ્રયાસ થયો, જેને પગલે પોલીસે કાર્યવાહી કરી અને આશરે ૨૦ જેટલા લોકોને અટકાયત કરી હતી. પોલીસની ફરજમાં અવરોધ અને હુલ્લડના ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.
ઇન્વેસ્ટીગેશન ઓફિસર ચિંતન પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, બનાવ સંદર્ભે પોલીસ દ્વારા દેવ કરણ, વિક્રમ તેમજ ભૂરો સહિતના વ્યક્તિઓના નામ ખુલવા પામ્યા છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી હમીર જાગરાણા સહિતના વ્યક્તિઓની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશને કૃપાલી નામની યુવતી સાથે સંબંધ હતા. ત્યારે તે યુવતી તેમજ હમીર વચ્ચે પણ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વાતચીત થતી હોય તે પ્રકારની શંકા ભાવેશને હતી. જે બાબતે લઈને ભાવેશ અને હમીર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલી આવતું હતું.
તેમજ રસના ચીચોડા બાબતે પણ ભાવેશ દ્વારા મનપામાં ફરિયાદ કરવામાં આવતી હતી. તાજેતરમાં હમીર દ્વારા પોલીસને અરજી પણ આપવામાં આવી હતી કે ભાવેશ, કૃપાલી તેમજ અજાણી બે-ત્રણ સ્ત્રીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને બ્લેકમેલ કરી છેડતી તથા દુષ્કર્મની ખોટી ફરિયાદ આપવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમજ ખોટો કેસ ન કરવા બાબતે પૈસાની માંગણી કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન, મારામારી, રાયોટિંગ સહિતના આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમજ એક વખત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે કે, મુખ્ય આરોપી હમીર વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.








































