શહેરના ભરચક ગણાતા વિસ્તારમાં સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ઝાડીઓમાંથી સળગેલી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે. જે મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ કેસને લઈ મહિલાની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટની એકદમ નજીક આવેલા નોબલનગરમાં સ્થાનિક લોકોની નજરે ઝાડીઓમાંથી કંઈક શંકાસ્પદ વસ્તુ પડી હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોએ નજીક જઈને તપાસ્યું તો કોઈનો ભયાનક રીતે સળગેલી હાલતમાં કોઈ માનવીનો મૃતદેહ પડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક નોબલનગર પોલીસ એફએસએલ(ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને સળગેલી હાલતમાં મળેલા આ મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની વધુ તપાસ નજીકની સરકારી હોસ્પિટલે મોકલી આપી તપાસ શરૂ કરી હતી, ત્યારે પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ કોઈ મહિલાનો હોવાનું સામે આવ્યું છે.
વધુમાં જે સ્થિતિમાં આ મૃતદેહ મળી આવ્યો છે તે જાતા તેની હત્યા થઈ હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો છે. કોઈએ આ મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને અહીં નોબલનગર વિસ્તારમાં ફેંકીને તેને સળગાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે કોઈ નિર્દયતાપૂર્વકની આ ઘટના પાછળ કોનો હાથ છે અને શા માટે આ મહિલાની હત્યા કરી તેની લાશને આ રીતે સળગાવાઈ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. જેના પર હાલ સૌની નજર ટકેલી છે.








































