માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ હતી. જે બાદ થોડા દિવસથી ગુજરાતના હવામાને આંશિક રાહત આપી છે અને તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી ઉપર એક અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી એટલે કે ૧૮મી માર્ચથી ત્રણ દિવસ માટે ગાજવીજ સાથે મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૩૮.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન મહુવામાં ૧૬.૯ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે.
હવામાન વિભાગની આજની આગાહી પછી મહત્તમ તાપમાન માટેની આગાહી આપતા, તેમણે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન માટે આગાહી આપતા, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. બુધવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સે રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સે રહેવાની શક્્યતા છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે, ૧૮ માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૮ માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છમાં યલો એલર્ટ એટલે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
૧૯ માર્ચના રોજ ગુરુવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.અહીં મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અહીં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાક પવન ફૂંકાવવાની આગાહી કરી છે.૨૦ માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.









































