રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વાસ્તવમાં શિક્ષણ અને સંસ્કાર માટે ઓળખાતા કેમ્પસમાં નશાખોરી જેવી પ્રવૃત્તિઓ સામે આવતાં લોકોમાં ચિંતા વધી રહી છે. વિગતો મુજબ તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસના ઓડિટોરિયમ અને નજીકના ટોયલેટમાંથી કુલ ૧૫ ખાલી દારૂની બોટલો મળી આવી હતી. તેમાં ૬ બોટલો ઓડિટોરિયમમાંથી અને ૯ બોટલો ટોયલેટમાંથી મળી હોવાનું સામે આવ્યું છે. આ બંને સ્થળો મુખ્ય બિલ્ડીગથી બહુ નજીક છે અને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનથી પણ અંદાજે ૫૦૦ મીટરના અંતરે આવેલ છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
મહત્વનું છે કે, યુનિવર્સિટીમાં સાંજના સમય પછી સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલે છે તે એક મોટો સવાલ છે. યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સિક્્યોરિટી માટે લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ સામે આવતાં વ્યવસ્થાની અસરકારકતા અંગે શંકા ઊભી થાય છે.
આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયો બહાર આવ્યા બાદ તાત્કાલિક ખાલી બોટલો હટાવવામાં આવી હતી, જે વધુ શંકા ઊભી કરે છે કે શું આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? આ તરફ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે જાવાનું એ રહેશે કે આ તપાસમાં શું સામે આવે છે અને જવાબદાર લોકો સામે કઈ કાર્યવાહી થાય છે.