બગસરા શહેરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
પાન-માવાની દુકાને થયેલી માથાકૂટ બાદ સાત શખ્સોના ટોળાએ એક પરિવારના ઘર પર ધસી જઈ છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. યુવકને લમણામાં છરીનો ઘા મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ઇકબાલભાઇ ભીખુભાઇ શાહમદાર (ઉ.વ.૪૨)એ દીપ રમેશભાઈ ઉનાવા, હિરેન ભુપતભાઈ ઉનાવા, સુરેશભાઈ જયંતીભાઈ ઉનાવા, મનીષ ભુપતભાઈ ઉનાવા, લાલો જયંતીભાઈ ઉનાવા, હર્ષદ હિંમતભાઈ પાટડીયા, જયદીપ ભુપતભાઈ ઉનાવા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો દિકરો વસીમ ‘દાસની દુકાને’ પાન-માવો ખાવા ગયો હતો. ત્યાં હાજર આરોપી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં આરોપીએ વસીમને બેફામ ગાળો આપી હતી. વસીમે ઘરે આવીને આ અંગે પરિવારને જાણ કરી હતી. આ મામલો શાંત પડવાને બદલે વધુ વકર્યો હતો. આરોપીઓએ એકસંપ થઈ, હાથમાં છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો સાથે તેમના ઘરે હુમલો કર્યો હતો. આરોપીઓએ ઘરના ડેલા પર આડેધડ ઘા મારી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‌યું હતું. આરોપીએ છરી વડે હુમલો કરી તેમના ડાબા કાન પાસે અને જમણા લમણે ઘા ઝીંક્યા હતા. જેમાં ફરિયાદીને ડાબા કાને ૪ ટાંકા અને કપાળના ભાગે ૫ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત તેમના પુત્રને માથામાં લાકડાનો ધોકો માતાં બે ટાંકા આવ્યા હતા. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓએ તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના પી આઈ આઈ જે ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.