સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે કૌટુંબિક ઝગડામાં લોહિયાળ હિંસાની ઘટના સામે આવી હતી. છેલ્લા ૨૦ દિવસથી રિસામણે રહેલી પત્નીને તેડવા માટે આવેલા પતિએ ઉશ્કેરાઈ જઈને સાળા અને સાહેદ મહિલા પર લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે હેમંતભાઈ દાનાભાઈ મહીડા (ઉ.વ.૩૫) એ ધારીના જયભાઇ અર્જુનભાઇ ગંગલ સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત મુજબ, પીઠવડી ગામે રહેતા તેની બહેન રંજનબેન તેમના પતિના ત્રાસથી કંટાળીને છેલ્લા વીસેક દિવસથી પિયરમાં ભાઈ સાથે રહેતા હતા. દંપતી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હોવાથી રંજનબેન રિસામણે હતા. આ દરમિયાન આરોપી પતિ અવારનવાર ફોન કરીને રંજનબેન સાથે ઝગડો કરતો હતો. રંજનબેન પિયરમાં હતા ત્યારે આરોપીએ પીઠવડી ગામે ધાર-કેરાળા રોડ પર આવેલા તેમના ઘરે ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. આરોપીએ પોતાની પાસે રહેલા લોખંડના સળિયા વડે તેની અને સાહેદ મનીષાબેન પર હુમલો કર્યો હતો. આરોપીએ તેના ડાબા પગના ગોઠણના ભાગે સળિયાનો ફટકો મારતા ત્યાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. તેમજ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર બી મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.










































