ધોરાજી તાલુકાના જમનાવડ અને પીપળીયા ગામ વચ્ચે મોડી રાત્રે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અહીં એક મોટરસાયકલ પર સવાર ત્રણ વ્યક્તિઓને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે મોટરસાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.હાઈવે પર મોટા વાહનોની બેફામ ગતિના કારણે નાના વાહનચાલકો માટે મુસાફરી જોખમી બની ગઈ છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.