ધોરાજીના જુનાગઢ રોડ પર અંબિકા સોલવન્ટ પાસે સિમેન્ટના પતરાં ભરેલું એક ઓવરલોડ વાહન પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીથી જુનાગઢ તરફ જઈ રહેલા આ વાહનના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હતી જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને જામનગર તથા સોમનાથ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસની ગેરહાજરીમાં સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ સ્વયંભૂ રીતે રસ્તા પરથી વાહન હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.










































