બોલેરો ચાલકે રોંગ સાઈડમાં વાહન ચલાવતા હિટ એન્ડ રન કેસ
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર રતન હોટલ સામે ગત રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે આવતી બોલેરો પીકઅપના ચાલકે રોંગ સાઇડમાં આવી બાઇકને જોરદાર ટક્કર મારતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સાવરકુંડલાની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને સેન્ટીંગ કામ કરતા રામદેવસિંહ પ્રવિણસિંહ ગોહીલ (ઉ.વ. ૪૯) ગઇકાલે રાત્રે આશરે ૯ઃ૪૦ વાગ્યે પોતાના મિત્ર સાથે હોન્ડા પેશન પ્રો (GJ-૧૪-AE-૪૮૯૯) પર બસ સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી સફેદ કલરની બોલેરો પીકઅપ (GJ-૧૪-X-૦૦૭૮) ના ચાલકે પોતાના વાહનને ગફલતભરી રીતે અને રોંગ સાઇડમાં ચલાવી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફરિયાદી રામદેવસિંહને નાકના ભાગે ગંભીર ઇજા તથા ડાબા હાથના અંગુઠામાં ફેક્ચર થયું છે, જ્યારે તેમના મિત્રને પણ શરીરે અને હાથે ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી બોલેરો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.











































