સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના પાટીયા અને ઓળીયા ગામ વચ્ચે ગુરૂપ્રસાદ હોટલ પાસે સરકારી એસ.ટી. બસ અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં ધસમસતા આવતા ટ્રક ચાલકે બસને ટક્કર મારી નુકસાન પહોંચાડ્‌યું હતું અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અંગે અશોકભાઈ ઉગાભાઈ પરમાર (ઉ.વ.૪૫)એ અજાણ્યા આઈસર ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.સાવરકુંડલા તરફ આવી રહેલી એસ.ટી. બસ (નંબર ય્ત્ન-૧૮-ઢ-૯૬૧૧) જ્યારે ૧૦ ફેબ્રુઆરીની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં સીમરણના પાટીયાથી આગળ ઓળીયા ગામ પાસે આવેલી ગુરૂપ્રસાદ હોટલ નજીક પહોંચી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરને કારણે સરકારી બસને ખાસ્સું નુકસાન થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એસ.ટી. બસના ચાલકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આઈસર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ આ અકસ્માત બાબત વધુ તપાસ કરી રહ્યા છે.