જૂનાગઢ જિલ્લાના વિસાવદર નગરપાલિકામાં શુક્રવારે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થવાની ઘટના સામે આવી છે. ટેન્ડર પ્રક્રિયા અને પાલિકાના હિસાબકિતાબ સંબંધિત મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બંને પક્ષો વચ્ચે ભારે માથાકુટ જાવા મળે છે. ઘટનાને લઈને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માંગરોળીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચીફ ઓફિસર પી.જે. વઘાસીયાએ તેમને છરી બતાવી ધમકાવ્યા હતા.
આ સાથે જ ઉપપ્રમુખ સહિતના બે શખ્સોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલો ગંભીર બનતા ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખ્સોએ ચીફ ઓફિસર સામે પોલીસમાં અરજી કરી છે. બીજી તરફ ચીફ ઓફિસર પી.જે. વઘાસીયાએ પણ સમગ્ર ઘટના અંગે પોતાનો પક્ષ રજૂ કરતા ઉપપ્રમુખ અને અન્ય શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બંને પક્ષોની ફરિયાદ બાદ પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકામાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.









































