‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ ના ઉમદા હેતુ સાથે અમરેલી જિલ્લામાં ચાલી રહેલા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬’ અંતર્ગત સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.આર.ટી.ઓ. અમરેલીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વાહન સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ અકસ્માતો રોકવાના ભાગરૂપે ૬૦  જેટલા ટ્રેક્ટર, ટ્રેલર અને છકડા જેવા વાહનો પર વિનામૂલ્યે પીળા અને લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગામડાના અંધારિયા રસ્તાઓ પર લાઈટ વગરના ટ્રેલર કે છકડા પાછળથી આવતા વાહનોને ન દેખાવાને કારણે અકસ્માતની ભીતિ રહે છે, જેમાં આ રેડિયમ પટ્ટા સુરક્ષા કવચ બની રહેશે. આ તકે વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ અનુરોધ કરાયો હતો.