આજથી પાંચ વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી એક ખાનગી શાળામાં બનેલી ગંભીર ઘટનાના મામલે ગાંધીનગર કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. લેશન ન લાવનાર વિદ્યાર્થિનીને શારીરિક રીતે માર મારવાના ગુનામાં આરોપી શિક્ષિકાને કોર્ટે ૩ વર્ષ અને ૩ મહિનાની સાદી જેલ તેમજ કુલ રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ મામલો ગાંધીનગરના સેક્ટર-૨૮ સ્થિત  બાશ્રી વસંતકુંવરબા સ્કૂલનો છે. જ્યાં વિજ્ઞાન વિષય ભણાવતી શિક્ષિકા પારુલબેન પટેલે ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની વિદ્યાર્થિનીએ લેશન પૂરું ન કર્યું હોવાના ગુસ્સામાં તેને ડાબા કાન પર ઉપરાછાપરી લાફા માર્યા હતા. આ હિંસક વર્તનના પરિણામે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો અને તેની સાંભળવાની ક્ષમતાને ગંભીર અસર પહોંચી હતી.
ઘટના બાદ વિદ્યાર્થિનીના પરિવાર દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે બાદ કેસ ગાંધીનગરની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. કેસ દરમિયાન પ્રોસિક્્યુશન દ્વારા તબીબી પુરાવા, સાક્ષીઓના નિવેદનો તેમજ ઘટનાસ્થળના સંજાગો રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટે આરોપી શિક્ષિકાને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ૩ વર્ષ અને ૩ મહિનાની સાદી જેલ તથા રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત જુવેનાઇલ જસ્ટસ એક્ટ, કલમ ૭૫ અંતર્ગત નાબાલિક પર ક્રૂરતા બદલ ૧ વર્ષની સાદી જેલ અને રૂ. ૨૫ હજારનો દંડ પણ ફરમાવ્યો છે. આમ, કુલ રૂ. ૫૦ હજારનો દંડ આરોપી પર ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે દંડની સંપૂર્ણ રકમ ભોગ બનનાર વિદ્યાર્થિનીને વળતર તરીકે ચૂકવવામાં આવે. ચુકાદો આપતા ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ જણાવ્યું હતું કે, “શિક્ષક દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી માસૂમ બાળક પર કરવામાં આવેલી શારીરિક હિંસા અત્યંત ગંભીર બાબત છે. આવા કૃત્યોને સહન કરી શકાય નહીં અને આવા કેસોમાં કડક સંદેશો આપવો જરૂરી છે.”
કોર્ટે વધુમાં કહ્યું કે શાળા શિક્ષણનું સ્થળ સુરક્ષા, સંસ્કાર અને માર્ગદર્શન માટે હોવું જાઈએ, ભય અને હિંસા માટે નહીં. આ પ્રકારના કૃત્યો માત્ર બાળકના શરીર નહીં પરંતુ તેના માનસિક વિકાસ પર પણ લાંબા ગાળાની અસર કરે છે.