પોરબંદરની ભૂમિ પર જન્મેલા મોહનલાલ કરમચંદ ગાંધીએ આફ્રિકા જઇને માનવહિતના અનેક કાર્યો કર્યા હતા. તો આફ્રિકામાં જન્મેલા વિમલજી નાથાજી ઓડેદરાએ આફ્રિકામાં જન્મ લીધા બાદ પોરબંરદની ભૂમિ પર માનવહિતના અનેક મહાન કાર્યો કર્યા છે. ર૦ર૦થી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર વિમલજીભાઇ ઓડેદરા કહે છે કે તેમના જીવનમાં ગાંધીજીનું બહુ મોટો પ્રભાવ છે. નાનપણમાં તેમણે પોરબંદરની એક લાયબ્રેરીમાંથી ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો મેળવીને વાંચી હતી અને આ પુસ્તક વાંચ્યા પછી તેમને ગાંધીજી પ્રત્યે ખૂબ માન ઉપજ્યું હતું અને પોતાના જીવનમાં ગાંધીજીના સત્ય અને અહિસાના મૂલ્યો ઉતાર્યા હતા અને તેના કારણે જીવનમાં નીતિમત્તા સાથે જીવવાનું બળ મળ્યું છે. વિમલજી ઓડેદરાએ પોતાના સત્ય પ્રેમ અને સિદ્ધાંતો વિશે તેમજ સમાજ અને માનવ પ્રેમ વિશે અનેક વાતો વાગોળી હતી. તેમણે કહ્યું કે જીવનમાં સફળ થવું એ સારી વાત છે પરંતુ સફળતા તમે કઇ રીતે મેળવો છો તે મહત્વનું છે. સફળતા ગમે તે રીતે સાચુ-ખોટું કરીને મેળવવી ન જોઇએ. સફળતા નીતિમત્તા સાથે રાખીને મેળવવી જોઇએ. પોતાની સફળતામાં ગાંધીજી પાસેથી મળેલી પ્રેરણા અને જૈન સંપ્રદાય સાથે અમદાવાદમાં થયેલો સંસર્ગ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. મૂળ ફટાણા ગામના નાથાજી ઓડેદરાના પુત્ર એવા વિમલજીભાઇનો જન્મ ઇસ્ટ આફ્રિકાના ટાન્ઝાનિયામાં થયો હતો. પરંતુ તેમણે માત્ર આફ્રિકામાં જ નહીં, યુરોપમાં લંડનમાં આવીને અને વતન પોરબંદર આવીને અનેક સેવાકાર્યો કર્યા છે. તેમણે ગાંધીજીની માફક અમદાવાદને પણ પોતાની પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ ફટાણામાં લીધું હતું બાદમાં હાઇસ્કૂલનું શિક્ષણ નાનજી કાલીદાસ મહેતા હાઇસ્કૂલમાં અને ત્યારબાદ ધો.૧૧-૧રનો અભ્યાસ અમદાવાદની સ્વસ્તિક શીશુ વિહાર શાળામાં લીધો હતો.પાંચ ભાઇ અને બે બહેનોમાંના એક એવા વિમલજીભાઇએ અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં કેમિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો. નેતૃત્વના ગુણો તેમનામાં તે સમયથી જ ખીલવા લાગ્યા હતા. તેઓ એ વખતે કોલેજમાં જનરલ સેક્રેટરી બન્યા હતા. અભ્યાસ પુરો થયા બાદ તેમણે રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં પ્રોસેસ એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. બાદમાં તેઓ વેરાવળની સિદ્ધિ સિમેન્ટમાં પણ જોડાયા હતા. ગુજરાતમાં એક સમયે ચાલતા અનામત આંદોલનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે તેમને મન વ્યવસ્થા અને સમાજ સુધારા મહત્વના રહ્યાં છે. તેમણે જીવનમાં રાજકારણને ક્યાંરેય મહત્વનું ગણ્યું નથી. કર્મભૂમિ અમદાવાદ છોડીને તેઓ લંડન ગયા હતા અને ત્યાં તેમણે બી. પી. કેમિકલ્સની રિસર્ચ કમિટિમાં સાડા ત્રણ વર્ષ સુધી પ્રોસેસ એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. ૧૯૯૧થી તેમણે લંડનમાં મીની સુપર માર્કેટનો વ્યવસાય પણ કર્યો હતો અને અહીં તેમણે પોતાના રેસ્ટોરન્ટની પણ શરૂઆત કરી હતી. તેઓ ઇગ્લેન્ડના મીડિયા જગત સાથે પણ ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. તેઓ નેશનલ ફેડરેશન ઓફ રીટેઇલ ન્યૂઝ એજન્ટસના લંડન ડિસ્ટ્રીક્ટના પ્રેસિડેન્ટ પણ બન્યા હતા અને એ વખતના ટેલીગ્રાફ, ઓબઝર્વર, ધી સન, મેઇલ, એક્સપેસ સહિતના તમામ ટોચના અખબારોના સંપર્કમાં રહ્યાં હતા. એ સમયના અખબારી વિતરકોના પ્રશ્નોના ઉકેલ માટે પણ તેમણે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે અમદાવાદની ભૂમિ પર સાયકલ લઇને ફરતા વિમલજીભાઇ વિમાન માર્ગે દેશ-વિદેશમાં ફરી ચૂક્યાં છે. તેઓ કહે છે કે માનવજાતની સેવા કરવામાં પોતાને જે સફળતા મળી છે તેમાં તેમના પત્ની સ્મિતાબેનનો બહૂજ મોટો ફાળો છે. આ ઉપરાંત પોતાના દિકરા કેતન ઓડેદરા અને દિકરી મિનલ ઓડેદરાનો પણ માનવસેવા કાર્યમાં મહાન સહકાર મળ્યો છે.
સમગ્ર વિશ્વના મહેર સમાજને એક મંચ પર લાવવાનું ભગિરથ કાર્ય સમગ્ર વિશ્વના મહેર સમાજને એક કરવાનું અને એક મંચ પર લાવવાનું કામ એક દંતકથા સમાજ મહેર અગ્રણી ડો. વિરમભાઇ ગોઢાણિયાએ શરૂ કર્યું હતું. ર૦ર૦થી આ જવાબદારી વિમલજીભાઇ ઓડેદરાને મળી અને તેમણે આ કાર્યને મહત્વનો વેગ આપ્યો. માત્ર પોરબંદર કે ગુજરાત, મહારાષ્ટ્રના જ નહીં કેનેડા, યુએસ, યુએઇ, બહેરિન, ઇઝરાયલ, યુગાન્ડા, ઓસ્ટે્રલિયા, ન્યૂઝિલેન્ડ અને સમગ્ર વિશ્વના મહેર સમાજના સ્થાનીક અગ્રણીઓ સાથે ઝૂમ મીટીંગો કરીને બધાને એક કર્યા. અગાઉ આ કાર્ય થતું હતું પરંતુ તે પોરબંદર લેવલનું હતું. તેનાથી આગળ વધીને આ કાર્ય રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, સુરત વગેરેથી લઇને મુંબઇ સુધી પણ વિસ્તર્યું અને વિસર્યું હતું. પરંતુ વિમલજીભાઇએ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલને સ્થાનીક અને વિદેશની કમીટીઓ બનાવીને આ તમામ કમીટીઓને જોડીને આઇએમએસસીને ખરા અર્થમાં ઇન્ટરનેશનલ બનાવી. અગાઉ આ બધી કમીટીનું અસ્તિત્વ હતું જ પરંતુ તેઓ એકબીજા સાથે જોડાયેલા ન હતા. વિરમભાઇએ આ તમામ સંસ્થાઓને એક બીજા સાથે જોડીને મહેર સુપ્રિમ કાઉન્સિલ સાથે જોડી સમાજની આ સંસ્થાને વિશ્વ સ્તરની સંસ્થા બનાવી અને તેની સાથે સમાજની શક્તિસેનાને પણ જોડીને મહેર સમાજને વધુ મજબુત બનાવવાનું એક ભગિરથ કાર્ય કર્યું છે. માત્ર મહેર સમાજના નહીં, માનવ સમાજના વડિલ છે વિમલજીભાઇ.
ફટાણા ગામથી લઇને વિશ્વ ફલક પર ફરીને પોતાના સેવાકાર્યોની સુવાસ ફેલાવનાર વિમલજીભાઇ માત્ર મહેર સમાજના જ નહીં સમગ્ર માનવ સમાજના સેવક છે. ઇન્ટરનેશનલ મહેર સુપિમ કાઉન્સિલ ઉપરાંત તેઓ ઇંગ્લેન્ડમાં એલસીજીઓ એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે પણ અનેક સેવાકાર્યો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે જ્ઞાતિ પ્રત્યે અમારી લાગણી સીમીત નથી. એલસીજીઓના માધ્યમથી મને વિદેશમાં વસતા એક મિલિયન ગુજરાતીઓની સેવા કરવાની પણ તક મળી છે અને તેના થકી લંડન અને ઈંગ્લેન્ડમાં તમામ ગુજરાતી જ્ઞાતિઓ એક મંચ પર અને એકજુથ થઇને રહે તે માટે પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ માટે ગુજરાતીઓની વિદેશમાં જન્મેલી પેઢી, ગુજરાતી તથા ભારતીય સંસ્કાર અને ભાષાને ભુલી ન જાય તે માટે નવી પેઢીને લંડનમાં ગુજરાત શિખવવા સહિતના અનેક કાર્યો થઇ રહ્યાં છે. એનસીજીઓ દ્વારા ઈંગ્લેન્ડમાં ૧લી મેએ ગુજરાત સ્થાપના દિન તેમજ ર૬મી અને ૧પમી રાષ્ટ્રીય પર્વો તેમજ ભારતીય સંસ્કૃતિના તમામ ધાર્મિક તહેવારો પણ ધામધૂમથી ઉજવાય છે. વિદેશની ધરતી પર રહેતા ગુજરાતીઓ માટે કોઇ પણ સમસ્યા ઉભી થાય તો એનસીજીઓ તે સમસ્યાના સમાધાન માટે પૂરતા પ્રયત્નો કરે છે. આ રીતે વિમલજીભાઇનો સેવાવ્યાપ ખૂબજ બહોળો બન્યો છે. વિમલજીભાઇ સમગ્ર માનવ સમાજના સેવક બનીને ઉભરી રહ્યાં છે. naranbaraiya277@gmail.com










































