ટેકનોલોજીના યુગમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડીના નાણાં સગેવગે કરવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં રહેતા અને સાવરકુંડલાના વંડાના વતની એવા એક શખ્સ સામે નોંધાયો છે, જેણે માત્ર રૂ.૩,૦૦૦ની લાલચમાં રૂ.૨ લાખના સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.આ અંગે મૂળ વંડાના અને હાલ સુરત રહેતા દીપકભાઇ રમેશભાઇ ખસીયા તથા સુરતમાં રહેતા વિપુલ મહારાજ સામે ફરિયાદ નોંધાઈ હતી. દીપકભાઈ સુરત જે સુરતમાં રહે છે અને મૂળ વંડાનો વતની છે, તેણે પોતાના ભાઈ વિજયકુમાર રમેશભાઈ ખસીયાના નામે રહેલું એસ.બી.આઈ. વંડા શાખાનું બેંક એકાઉન્ટ પોતાના અંગત ઉપયોગ માટે રાખ્યું હતું. આ એકાઉન્ટનો તેણે સાયબર ફ્રોડ કરનારને ઉપયોગ કરવા આપ્યો હતો.આરોપીઓએ ઉમામહેશ્વરી આનંદરાજ નામના વ્યક્તિને સાયબર જાળમાં ફસાવી તેમની સિટી યુનિયન બેંકના ખાતામાંથી રૂ.૨,૦૦,૦૦૦ ઇ્‌ય્જી મારફતે આ એસ.બી.આઈ. ના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પૈસા છેતરપિંડીના છે તે જાણવા છતાં, આરોપી તે રકમ ચેક દ્વારા બેંકમાંથી ઉપાડી લીધી હતી અને મુખ્ય સૂત્રધારને સોંપી દીધી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આટલી મોટી રકમ સગેવગે કરવાના બદલામાં આરોપી નંબર ૧ એ મુખ્ય આરોપી પાસેથી માત્ર રૂ.૩,૦૦૦ કમિશન તરીકે મેળવ્યા હતા. છેતરપિંડીના નાણાં હોવાની જાણ હોવા છતાં બેંક એકાઉન્ટ પૂરું પાડી અને નાણાં ઉપાડી આપી ગુનામાં મદદગારી કરવા બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ પી.જે.રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.

પોલીસની અપીલઃ મ્યુલ એકાઉન્ટથી બચો

સાયબર પોલીસ વારંવાર ચેતવણી આપે છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને કમિશનની લાલચમાં તમારું બેંક એકાઉન્ટ વાપરવા આપવું નહીં. જો તમારા એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં આવે અને તમે તે ઉપાડી આપો, તો તમે પણ આ ગુનામાં સમાન રીતે ભાગીદાર ગણાઈ શકો છો.