સાવરકુંડલા શહેરનું એકમાત્ર મુખ્ય ફરવાલાયક અને શાંતિનું સ્થળ ગણાતો ‘જનતા બાગ’ હાલ તંત્રની બેદરકારીના કારણે અત્યંત દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે. બગીચામાં ઘાસ અને ઝાડીઓ એટલી હદે ઉગી નીકળી છે કે બગીચો જંગલ જેવો બની ગયો છે, જેના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરની દોડધામ ભરેલી જિંદગીમાં લોકો અહીં કુદરતી વાતાવરણમાં શાંતિ મેળવવા આવે છે, પરંતુ હાલ બગીચામાં બાંકડા ઉપર  બેસવાનું તો દૂર, પગ મુકવાની પણ જગ્યા રહી નથી. આ સ્થિતિને કારણે સવારે વોકિંગ અને વ્યાયામ માટે આવતા નાના બાળકોથી લઈને
વૃદ્ધો સુધીના તમામ નાગરિકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે. રજાના દિવસોમાં જે સ્થળ લોકોનું પ્રિય હતું તે હવે સફાઈના અભાવે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. શહેરીજનો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે સવારે વોકિંગ માટે ક્યાં જવું? આથી સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો પાસે માંગ કરવામાં આવી છે કે બગીચામાં તાત્કાલિક ઘાસ કાપણી અને સફાઈ કરવામાં આવે તેમજ બાંકડા અને અન્ય સુવિધાઓ પુનઃસ્થાપિત કરી બાગની નિયમિત જાળવણી કરવામાં આવે.