રાયપુરમાં રમાયેલી બીજી ટી૨૦ મેચમાં, ટીમ ઇન્ડિયા એ ન્યુઝીલેન્ડને ૭ વિકેટથી હરાવ્યું અને શ્રેણીમાં ૨-૦ ની લીડ મેળવી. ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા ની જીતના હીરો હતા. આ મેચમાં બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી અને ૧૬ ઓવર પહેલા ૨૦૯ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. મેચ પછી, સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો, જેમાં તેમણે કહ્યું કે જ્યારે ઇશાન કિશન પાવરપ્લેમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ ગુસ્સે હતો. તે ઇશાનથી થોડો નારાજ પણ હતો.
સૂર્યકુમાર યાદવે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં ઇશાન કિશનની બેટિંગની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “મને ખબર નથી કે ઇશાને લંચમાં શું ખાધું હતું કે મેચ પહેલા તેણે શું વર્કઆઉટ કર્યું હતું, પરંતુ મેં ક્યારેય  કોઈને ૬ રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી પણ પાવરપ્લેમાં ૬૭ કે ૭૦ સુધી પહોંચતા જાયા નથી. મને લાગ્યું કે તે અદ્ભુત હતું.ટી ૨૦ ફોર્મેટમાં આ ખૂબ જ દુર્લભ છે.”
સૂર્યાએ વધુમાં કહ્યું કે ૨૦૦ કે ૨૧૦ રનનો પીછો કરતી વખતે, આપણે અપેક્ષા રાખીએ છીએ કે બેટ્‌સમેન બહાર જાય અને પોતાની જાતને વ્યક્ત કરે, પોતાની જગ્યામાં ખુશ રહે, અને આજે ઇશાને બરાબર તે જ કર્યું. પછી તેણે સમજાવ્યું, “મને ગુસ્સો આવ્યો કે તેણે મને પાવરપ્લેમાં સ્ટ્રાઈક ન આપી, પણ કોઈ વાંધો નથી. મને થોડો સમય મળ્યો, ૮-૧૦ બોલ રમ્યા, અને મને ખબર હતી કે જ્યારે મારી પાસે સમય હશે ત્યારે હું તેને કવર કરીશ. મેં બરાબર એ જ કર્યું. મેં મારા માર્ગમાં આવેલી તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો.”
ભારત માટે, ઈશાન કિશને ૩૨ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૭૬ રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે ૩૭ બોલમાં ૯ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અણનમ ૮૨ રન બનાવ્યા. આ સાથે, સૂર્યકુમારે ૨૩ ઇનિંગ્સના પોતાના અર્ધશતકના દુકાળનો અંત લાવ્યો. સૂર્યાએ શિવમ દુબે (૩૬ અણનમ) સાથે મળીને ૩૭ બોલમાં ચોથી વિકેટ માટે ૮૧ રન ઉમેર્યા અને ટીમને અંતે સરળ જીત અપાવી.