માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૯માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાન ચાલકે વાનમાં જ દુષ્કર્મ ગુજાર્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ વાન ચાલકે એક નહીં બે વાર દુષ્કર્મ કર્યાનું પણ સામે આવ્યું છે. ૧૪ વર્ષની દીકરીની માતાએ આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ માલવિયા પોલીસે ૩૫ વર્ષના રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી લીધી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ધો.૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની વિદ્યાર્થિની પર સ્કૂલવાનમાં જ ચાલક રમેશ ખરાએ દુષ્કર્મ આચર્યું હતું. ૧૪ વર્ષીય સગીરા વર્ષથી આરોપીની સ્કૂલવાનમાં જતી હતી. જેથી આ નરાધમ યુવાન ફોન નંબર મેળવીને સગીરા સાથે વોટ્‌સએપમાં વાતચીત કરતો હતો. વાતચીત કરીને વાન ચાલકે સગીરાને વિશ્વાસમાં લીધી હતી. બે દિવસ પૂર્વે શહેરમાં અમીન માર્ગ નજીક અવાવરું વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ દીકરીએ પોતાની આપવીતી માતાને જણાવતા આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદ નોંધાતા પોલીસે ૩૫ વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી છે. માલવિયા પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે.