ધોરાજી શહેરમાં જમનાવડ રોડ પર રેલવે ફાટક નજીક ટ્રેન અકસ્માતોમાં બે ગૌમાતાના કરુણ મોત થતા સ્થાનિકોમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ છે. પ્રથમ ઘટનામાં કાનાલુસથી અમદાવાદ જતી માલગાડી ટ્રેનની અડફેટે એક ગૌમાતા આવી જતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. બીજી ઘટનામાં રાજકોટથી પોરબંદર જતી પેસેન્જર ટ્રેનમાં પણ આવી જ ઘટના બની હતી. ટ્રેન પસાર થતી વખતે એક ગૌમાતા ટ્રેક પર ચડી જતાં ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. બંને ઘટનામાં ગૌમાતાના મોતથી સ્થાનિક લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. રેલવે ટ્રેક આસપાસ પશુઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની માંગ ઉઠી છે. રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.