રાજુલાની જાણીતી પૂંજા બાપુ ગૌશાળા ખાતે આજે દાતાઓના હસ્તે એક વધુ આધુનિક શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૌ માતાઓને ઠંડી, ગરમી અને ચોમાસામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આધુનિક સુવિધાઓથી સજ્જ આ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગૌશાળામાં દાતાઓના સહયોગથી અગાઉ વર્ષ ૨૦૧૭થી કુલ આઠ શેડનું લોકાર્પણ કરાયું છે. આ નવમા શેડના દાતા સ્વ. વાડીભાઈ નંદલાલ શાહ પરિવાર (એવરેસ્ટ મસાલા-મુંબઇ) છે. આ શેડના દાતા તરીકે સંજીવભાઈ શાહ અને રાજીવભાઈ શાહ તરફથી અંદાજે રૂપિયા ૪૫ લાખ જેટલું માતબર દાન આપવામાં આવ્યું છે. આજે લોકાર્પણ પ્રસંગે દાતાઓના પ્રતિનિધિ સમીરભાઈ શાહ અને ધર્મેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુંબઈથી ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ગોપાલભાઈ પારેખ, અલ્પેશભાઈ મહેતા, અનિલભાઈ મહેતા, કમલભાઈ મહેતા, નરેન્દ્રભાઈ ચિતલીયા તેમજ ચેતનભાઈ સંઘવી સાથે ગોપાલભાઈનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. આ પ્રસંગે ચેતનભાઈ શિયાળ, રાજુલાના વેપારીઓ, આગેવાનો, ચેમ્બરના હોદ્દેદારો તેમજ વિવિધ સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શેડની જગ્યા માટે ભાઈદાસભાઈ સંઘવી (નટરાજ પેન્સિલ) દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું. આ જગ્યા ઉપર શેડ બનાવવા માટે સ્વ. વાડીભાઈ નંદલાલ શાહ પરિવારે દાન આપ્યું છે. આ અનોખી ગૌશાળામાં હાલમાં અંદાજે ૮૮૫ ગાયની સંભાળ લેવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે અહીં અકસ્માતગ્રસ્ત, ગંભીર રીતે બીમાર તેમજ અપંગ ગૌમાતાઓને આશ્રય આપવામાં આવે છે. ગૌશાળામાં પ્રતિદિન રૂ. ૬૦,૦૦૦થી વધુ ખર્ચ થાય છે.










































