સરકારની પી.એસ.એસ. યોજના હેઠળ ટેકાના ભાવથી મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, સોયાબીન વિગેરેની ખરીદી કરવામાં આવે છે. તે મુજબ ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવતા તે માટે પ્રસ્થાપિત સિસ્ટમથી ખરીદી કરવાની નીતિ અન્વયે ભારત સરકારની નોડલ એજન્સી-નાફેડ અને રાજયની નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો-ઓપ. માર્કેર્ટિંગ ફેડરેશન લી. (ગુજકોમાસોલ)ને રાજયના મોટાભાગના જિલ્લામાં ખરીદી કરવાની કામગીરી સોંપેલ છે. તે અંતર્ગત ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શનમાં ગુજકોમાસોલ તરફથી વિવિધ કેન્દ્રો મંજૂર કરી ખરીદી કરાશે. જે મુજબ સાવરકુંડલા કેન્દ્ર માટે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને મંજૂરી મળતા આજે સાવરકુંડલા એ.પી.એમ.સી. કેન્દ્ર ખાતે ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, એ.પી.એમ.સી અને તાલુકા સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી સહિત વિવિધ પદાધિકારીઓ, અગ્રણીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી, મગફળી વેચવા આવેલ ખેડૂતોને પુષ્પગુચ્છ આપી મો મીઠું કરાવીને ટેકાના ભાવથી મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પ્રતિ ક્વીન્ટલ રૂ.૭૨૬૩/-(પ્રતિમણ રૂ.૧૪૫૨.૬૦)ના ભાવથી ખરીદી કરવાનો નિર્ણય કરેલ છે. જેમાં પ્રથમ દિવસે સાત ખેડૂતોની ૧૭૫ ક્વીન્ટલ જેટલી મગફળી ખરીદ કરાશે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ ડોબરીયા, એ.પી.એમ.સી.ના વા.ચેરમેન મહેશભાઇ લખાણી, પૂર્વ ચેરમેન અરવિંદભાઇ માંગુકીયા, એ.પી.એમ.સી. ડિરેકટર જસુભાઇ ખુમાણ, રમેશભાઇ રાદડીયા, અશ્વીનભાઇ માલાણી, બાબુભાઇ માલાણી, કલ્પેશભાઇ ઠુંમર, સંઘના ડિરેકટર બટુકભાઇ રૂપારેલીયા, મનસુખભાઇ દેસાઇ, ગુજકોમાસોલના અધિકારી રાજાભાઇ બારડ, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ ગજેરા, નવનીતભાઇ હરિયાણી સહિત વેપારીઓ, સહકારી આગેવાનો, ખેડૂતો ઉપસ્થિત રહેલ.