અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ૨૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ, લોકો કડકડતી ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર છે. પરિસ્થિતિ એવી છે કે ભૂકંપગ્રસ્ત લોકો તેમના ઘરોના કાટમાળમાંથી તેમના સામાનના અવશેષો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ભૂકંપ પછી હવે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૩ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સમંગન પ્રાંતના ખુલ્મ શહેરથી ૨૨ કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું.અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે અહેવાલ આપ્યો છે કે મૃત્યુઆંક વધીને ૨૧ થયો છે, જ્યારે ૮૧૯ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ૨૫ લોકોની હાલત ગંભીર છે. ખુલ્મના સ્થાનિક રહેવાસી અસદુલ્લાહ સામંગાનીએ જણાવ્યું હતું કે, “અમે રાત ખુલ્લામાં વિતાવી. હવામાન ખૂબ જ ઠંડુ હતું, અમે સૂઈ શક્્યા ન હતા, અને અમને ચિંતા હતી કે બીજા ભૂકંપ આવશે.”ભૂકંપથી ઐતિહાસિક સ્થળોને પણ નુકસાન થયું હતું, જેમાં ઉત્તરી અફઘાનિસ્તાનના શહેર મઝાર-એ-શરીફમાં પ્રખ્યાત બ્લુ મસ્જીદનો સમાવેશ થાય છે, જે અફઘાનિસ્તાનના સૌથી આદરણીય ધાર્મિક સ્થળોમાંનું એક છે. બલ્ખ પ્રાંતના માહિતી અને સંસ્કૃતિના વડા મહમુદુલ્લાહ જરારે જણાવ્યું હતું કે બ્લુ મસ્જીદના મિનારાને ભારે નુકસાન થયું હતું, જ્યારે મસ્જીદની કેટલીક દિવાલોમાંથી ઇંટો અને ટાઇલ્સ પડી ગઈ હતી. સદીઓ જૂના સ્થળના અન્ય ભાગોમાં તિરાડો દેખાઈ છે.ઝરારએ જણાવ્યું હતું કે આ દરગાહ ઇસ્લામિક મૂલ્યો અને ઇસ્લામિક યુગના ઇતિહાસનું એક મૂલ્યવાન સ્મારક છે. તેને સમારકામ અને પુનઃસ્થાપનની ખૂબ જ જરૂર છે. સમંગન પ્રાંતના માહિતી અને સંસ્કૃતિ વડા ફિરોઝુદ્દીન મુનીબે જણાવ્યું હતું કે પ્રાંતમાં સૌથી વધુ નુકસાન પામેલ ઐતિહાસિક સ્મારક ૧૯મી સદીનો બાગ-એ-જહાનામા મહેલ હતો. ૧૮૯૦-૧૮૯૨માં બનેલ, આ મહેલ અને તેની આસપાસના બગીચા પ્રવાસીઓમાં એક લોકપ્રિય સ્થળ છે.







































