જૂનાગઢના જીઆઇડીસી-૨ વિસ્તારમાં આવેલી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને ફરી એ કવાર વિવાદ ઉભો થયો છે. સ્થાનિક ઉદ્યોગકારોએ પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણના કારણે આસપાસનું વાતાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.ઉદ્યોગકારોનો દાવો છે કે છેલ્લા બે વર્ષથી વિવિધ સરકારી વિભાગો અને સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેમના મતે સમસ્યા યથાવત હોવાથી ઉદ્યોગો અને કામદારો બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી અનેક વખત જિલ્લા કલેક્ટર,જીપીસીબી અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ઉદ્યોગકારોનો દાવો છે કે તપાસ દરમિયાન પ્લાન્ટની ચીમની બંધ રાખવામાં આવે છે, પરંતુ અધિકારીઓ નીકળ્યા બાદ ફરીથી કાળો ધુમાડો છોડવામાં આવે છે. તેઓએ આક્ષેપ કર્યો કે પ્રદૂષણ કારણે કારખાનાના પતરાં સડી રહ્યા છે અને કામદારો પણ કામ કરવા તૈયાર થતા નથી.
બીજી તરફ આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એમ.ઓ. ત્રિવેદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એજન્સીએ વર્ષ ૨૦૦૫થી માન્ય પરવાનગીઓ સાથે કાર્યરત છે અને સમયાંતરે તેની મંજૂરીનું નવીનીકરણ કરવામાં આવે છે. લોકોની ફરિયાદ બાદ કલેક્ટરની સમિતિની હાજરીમાં ૨૪ કલાક સુધી હવા, ચીમની, પાણી અને અન્ય પરિમાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તમામ પરિણામો નિયત ધોરણોની અંદર હોવાનું સામે આવ્યું છે.જીપીસીબીના સ્પષ્ટીકરણ છતાં સ્થાનિક ઉદ્યોગકારો સંતોષ માનવા તૈયાર નથી. તેઓ સમગ્ર મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની તેમજ જા કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પર અડગ છે.ઉદ્યોગકારોનું કહેવું છે કે જા પ્રદૂષણની સમસ્યા યથાવત રહેશે તો આસપાસ કાર્યરત કામદારોના સ્વાસ્થ્ય તેમજ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારના પર્યાવરણ પર લાંબા ગાળે ગંભીર અસર પડી શકે છે. તેઓ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી અને તેની કાર્યપદ્ધતિની પણ સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે.હાલ એક તરફ ઉદ્યોગકારો પ્રદૂષણના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે તો બીજી તરફ જીપીસીબી તમામ નિયમોનું પાલન થતું હોવાનું કહી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે સ્વતંત્ર તપાસ થાય છે કે નહીં અને તંત્ર આ મામલે આગળ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.