કંપનીના માલિકીના સોફ્ટવેર સોર્સ કોડની ચોરી કરવાના આરોપમાં આઇટી કંપનીના ભૂતપૂર્વ વરિષ્ઠ કર્મચારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચોરાયેલા સોફ્ટવેર અને સોર્સ કોડની અંદાજિત કિંમત આશરે ૮૭ કરોડ છે. આરોપીની ઓળખ આશુતોષ નિગમ તરીકે થઈ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૦ થી એમેડિયસ સોફટવેર લેબ્સ ઇન્ડિયા  પ્રાઇવેટ લી.માં સિનિયર મેનેજર રિસર્ચ સાયન્ટીસ  તરીકે કામ કરી રહ્યો હતો.
એફઆઈઆર મુજબ, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, આરોપીએ કંપનીની પરવાનગી અથવા કોઈપણ સત્તાવાર મંજૂરી વિના કંપનીમાંથી ગુપ્ત સોફ્ટવેર સોર્સ કોડ અને અન્ય સંવેદનશીલ ડેટાને અનધિકૃત રીતે ઍક્સેસ કર્યો અને તેને તેના વ્યકિતગત ઇમેઇલ એકાઉન્ટ દ્વારા મોકલ્યો.
કંપનીની આંતરિક તપાસ, રેકોર્ડ અને અહેવાલોના આધારે, જ્યારે આશુતોષ નિગમની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે સોફ્ટવેર સોર્સ કોડ (ડેટા ચોરી) ની ચોરીની કબૂલાત કરી. પોલીસે જણાવ્યું કે આરોપીની કબૂલાત પણ કંપની દ્વારા વિડિઓ રેકોર્ડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ, કંપનીએ ૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ આરોપીની સેવાઓ બંધ કરી દીધી.
એફઆઈઆરમાં જણાવાયું છે કે ચોરાયેલ સોફ્ટવેર અને સોર્સ કોડ આશરે ૮ મિલિયન યુરો (આશરે ૮૭ કરોડ) ની કિંમતનો છે. આ ઘટનાથી કંપનીને નોંધપાત્ર વ્યાપારિક નુકસાન થયું છે અને તેની બૌદ્ધિક સંપત્તિને નુકસાન થયું છે.
કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધારે, ૨૩ જાન્યુઆરીના રોજ વ્હાઇટફિલ્ડ સેન્ટ્રલ ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.