દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા નજીક આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિસાન મહાપંચાયતને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, હેમંત ખવા સહિતના ખેડૂત નેતાઓએ સંબોધન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ, ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી સહિત કુલ ૧૦ જેટલા મુદ્દાઓની માંગણી સરકારને કરી હતી.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ,આઇબીના સૂત્રોના હવાલેથી કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૮૫ બેઠક મળશે. જ્યારે આપને ૭૫થી વધુ અને કોંગ્રેસને માત્ર ૧૦ બેઠક મળે છે. આગામી દિવસોમાં આપઁને ૧૫૦થી વધુ બેઠક મળે તેવા પ્રયત્નો કરવાના છે. સાથે જ તેમણે, ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને કહ્યું કે પીએમ મોદી કહે છે કે, ખેડૂતોને પાક વીમો મળશે, પરંતુ ગુજરાતના કોઈ ખેડૂતને પાક વીમો મળતો નથી.વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ, ખેડૂત મહાપંચાયતને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત સરકાર હવે ‘સરકાર નહીં પણ સર્કસ’ બની ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે દિલ્લીથી નક્કી થાય તે જ ગુજરાતમાં મંત્રી બને છે. તેમણે મંત્રીઓની નિમણૂકને સંગીત ખુરશીની રમત સાથે સરખાવી હતી. સંગીત બંધ થતા ખાલી રહેલી ખુરશી પર બેસી જનાર મંત્રી બની જાય છે બાકીના બહાર નીકળી જાય છે.યુવરાજસિંહ જાડેજાએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મૂક્્યો હતો. જા કોંગ્રેસે ભાજપ સાથે મુજરો ના કર્યો હોત તો તેઓ આજે સત્તામાં હોત તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત મોડેલ સ્ટેટ હોવા છતા, ખેડૂતો માટે કૃષિ પાક વીમો નથી. આ સુવિધા ખેડૂતોને કેમ નથી મળતી તેવો સવાલ કોંગ્રેસ પણ કરતી નથી. દેવામાફી, પાકવિમો અને અન્ય ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને યોજાયેલી આ કિસાન મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટયા હતા.