શ્રીકૃષ્ણના પોતાના કેટલાક પ્રિય તહેવારોમાં ધૂળેટીનો તહેવાર આવે છે. કૃષ્ણ વિષ્ણુનો રંગરસીયા તરીકેનો અવતાર છે. જીવનના સર્વ રંગોને આત્મસાત કરીને જગત પર એ જ રંગો છાંટવામાં કૃષ્ણને અધિક રસ છે. કૃષ્ણ રંગરાજ છે અને રસરાજ પણ છે. રામ તો જાણે કે એક નિરંગી પ્રતિભા છે. એને સંસારના શાંત વહેતા સરયૂ જેવા પ્રવાહમાં જ રસ છે. કૃષ્ણને તો દરેક રંગ અને એ રંગની લીલામાં રસ છે અને એટલે જ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. રામને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવે છે. રામ જીવનની ગંભીરતાનો અધ્યાય છે અને કૃષ્ણ જીવનની પ્રત્યેક ક્ષણનો ઉત્સવ છે. ભારતીયસંસ્કૃતિએ રામ અને કૃષ્ણ બંનેને આત્મસાત કરીને સભ્યતા વિકસાવી છે. વૃંદાવનની કુંજગલીઓમાં ગોપીઓ રંગ ભંડાર છુપાવી રાખે છે. કૃષ્ણ બહુ જ નટખટ છે. સહુ જાણે છે અને ગોપીઓ વધુ સારી રીતે જાણે છે. કૃષ્ણને ગોપી જે રંગે રંગવા જાય, એ રંગે એ પોતે જ રંગાઈને આવે એ જોઈને સખીઓ એની મજાક ઉડાવે છે. આ બધી ગોપીઓમાં રાધિકા સહુથી અનોખી છે. રાધાને રંગ ઉડાડવાનો મોહ નથી. એ તો કૃષ્ણના રંગે રંગાઈ ગયેલી છે. આપણા મધ્યકાલીન કવિઓએ કૃષ્ણ અને રાધિકાના અજબ પ્રણય ગીતો ગાયા છે. રાધા કહે છે કે આંખમાં અંજન છે ને કૃષ્ણનો વિયોગ છે. કૃષ્ણ તો શ્યામ છે અને શ્યામરંગમાં એનો નિત્ય વિલાસ છે. જો વિયોગમાં સહેજ અશ્રુ સરી પડશે તો આંખમાં શ્યામ અંજનની સાથે ક્યાંક કૃષ્ણત્વ પણ વહી જશે તો ? એટલે અપલક નેત્રે રાધા કૃષ્ણની રાહ જુએ છે. વિયોગ તીવ્ર છે પણ આંખમાંથી અશ્રુ સરી ન પડે એની સાવધાની પણ છે. કૃષ્ણપ્રીતિની કમાલ જ એ છે કે પહેલી પગથારે કે થોડા પગથિયા આગળ વધ્યા પછીના પહેલે પોરે જ કૃષ્ણનો રંગ લાગી જાય છે. મીરાંબાઈને કૃષ્ણનો રંગ બહુ નાની ઉંમરે લાગ્યો ને એવો તો એ રંગ ઘૂંટાતો ગયો કે પછી સંસારના મોટા મહેલોના હજાર રંગો એના પર ઢોળાયા તો પણ શ્યામ સિવાયનો બીજો એકેય રંગ મીરાંને લાગ્યો નહિ. આમ પણ શ્યામ રંગ પર બીજો ડાઘ લાગતો જ નથી. એટલે જ મીરાંએ કહ્યું… દૂજા દાગ ન લાગે કોઈ…! વૃંદાવનની સખીઓ ધૂળેટીના પ્રભાતે ગાયો ચરાવતા નંદલાલને ઘેરી વળે છે અને મુક્તછંદમાં હોરીના ગીતો લલકારે છે. આપડે ત્યાં ગુજરાતીમાં બહુ પહેલાના જમાનામાં ઘેરૈયાના ગીતો હતા જે ધૂળેટીના દિવસે શેરીઓમાં ગવાતા. હવે એમાંના મોટાભાગના ગીતો લુપ્ત થઈ ગયા છે. પરંતુ વ્રજભાષામાં અને રાજસ્થાની બોલીઓમાં હોરીના ગીતોની બહુ જ મોટી અને ઉજ્વળ પરંપરા છે જે આજેય જળવાયેલી છે. આપડે સૌરાષ્ટ્રમાં આઠ્મનો તહેવાર દિવાળીથી પણ મોટો છે અને બહુ ધામધૂમથી આપડે જન્માષ્ટમી ઉજવીએ છીએ. કારણ કે આખા સૌરાષ્ટ્ર પર દ્વારિકાધીશની ધજાનો પડછાયો પડે છે. દ્વારિકા કૃષ્ણની પસંદગી છે. આખા જગતને પોતાના ઐશ્વર્યનું દર્શન કરાવ્યા પછી છેવટનું સુખ લેવા માટે કૃષ્ણે સૌરાષ્ટ્રના સાગર કિનારાની પસંદગી કરી છે. વૈચારિક અને નૈતિક રીતે તો સમગ્ર ભારત વર્ષ પર કૃષ્ણનું એકચક્રી શાસન હતું ત્યારે સોનાની દ્વારિકામાં તેમણે પોતાના ઉત્તર જીવનનો વિશ્રામ લીધો હતો. એ હતું તો ઉત્તર જીવન તો પણ પૂર્ણ યૌવનથી છલકતું હતું. અષ્ટપટરાણીઓ સાથેના એમના એ જીવનની યશોગાથાઓ વેદ વ્યાસે અને શુકદેવે બુલંદ સ્વરમાં લલકારી છે. કૃષ્ણ જીવનની રસિકતાના અધિષ્ઠાતા છે. તેમણે માનવજાતને આ જીંદગીને એક ગગને ઝૂલતા હિંચકાના હિલ્લોળ જેવી બતાવી છે. તેમણે સમૂહ જીવનનો સદાય પુરસ્કાર કર્યો છે. ગોપ બાલ-બાલિકાઓ સાથે તેમણે રમતા રમતા શૈશવ વીતાવ્યું છે. નંદ અને યશોદાના લાડકા હોવા છતાં ગોકુળના બધાને કાનો પોતાનો લાગે છે. આજે માતા-પિતાના વધારે પડતા લાડકોડમાં ઉછરતા બાળકો બાઘાછાપ થઈ જાય છે કારણ કે તેઓનામાં એકલવાયી જિંદગીનો મોહ પ્રવેશે છે. સમૂહ જ જિંદગીની એક મજા છે. કૃષ્ણ કંઈ એકલા સાંદિપની પાસેથી જ બધી વિદ્યા મેળવી ન શકે. ગોકુળની એકેએક શેરીમાંથી કૃષ્ણને કંઈ ને કંઈ પાઠ મળ્યા હોય તો જ એ યુદ્ધના મેદાન વચ્ચે ગીતાનો ઉદઘોષ કરી શકે. રાજસ્થાનના હોરી ગીતોમાં કૃષ્ણના બહુ તોફાની વર્ણનો છે. આમ જુઓ તો હોરી અથવા ધૂળેટી એક પ્રકારનો વસંતોત્સવ જ છે. વનમાં અનેક વનસ્પતિઓ રંગના રસાયણો ધરાવે છે. માત્ર ફૂલો જ નહિ, વૃક્ષવલ્લરીના પાંદડાઓ પણ કુદરતી રસાયણયુક્ત છે. કેસૂડાં તો રંગોના રાજા છે અને ધૂળેટીમાં સદીઓ સુધી ગુજરાતે કેસૂડાના ફૂલોથી સ્નાન કરેલું છે. પરંતુ હવે કુદરતી રંગો વીસરાઈ ગયેલા છે એ અલગ વાત છે. વસંત ઋતુનો જ એક ગુણ એવો છે કે મનમાં રંગની છાલક ઉડે છે. બહારના રંગો તો ખરેખર ભીતરના રંગોનો પડછાયો માત્ર છે. વસંત કે જે માનવ હૃદયને પુષ્પની જેમ પ્રસન્નતાનો પર્યાય બનાવે છે એ જ તો આ દિવસોની અને આ મોસમની મહત્ ઉપલબ્ધિ છે. આ દિવસોમાં રાજસ્થાનમાં ફાગ ખેલવામાં આવે છે. માનવ જીવનના અંતરંગ ભાવને ફાગમાં વ્યક્ત કરવામાં આવે છે. ફાગુ શબ્દ ખરેખર તો એક મધ્યકાલીન કાવ્યપ્રકાર પણ છે. વિખ્યાત કાવ્ય વસંત વિલાસ એક પ્રકારનું ફાગુ કાવ્ય જ છે. ફાગણ મહિનો રાજસ્થાનની પ્રજા માટે મિલનનો માસ છે. પિયુ દૂર દેશ ગયો હોય તોય જેવો ફાગણ મહિનો બેસે કે પરણિતાના મોભારે કાગડો બોલવા લાગે. પ્રિયતમના આવવાની એંધાણી જોઈને પરણિતા ઘરને શણગારે છે. આપડે ત્યાં રાજસ્થાની લોકો બહુ છે. તેઓ હોળીના તહેવાર પર વતન જતા રહે છે. નાનામાં નાનો માણસ પણ હોળી વતનમાં જ ઉજવે છે. એક જમાનામાં આપડે આઠ્મનો જે મહિમા હતો એવો આ મહિમા છે જે રાજસ્થાની લોકોએ જાળવ્યો છે. જેના હૈયે હિલ્લોળ છે એની તો આ જિંદગી છે. આપડી આસપાસ ઉદાસ રહીને ઠેબે ચડતા લોકોથી જાતને બચાવવાની મોસમ છે. હોય છે તો આસપાસમાં જ કોઈ જે તમારા કોઈ પણ શુભ સંકલ્પ કે પ્રયાણ ટાણે બોલતા હોય છે કે રહેવા દો ને યાર, જે છે તે ઠીક છે. આ એ લોકો હોય છે જેઓ કદી ઊંચા ગિરિશિખરોને અડતા નથી કારણ કે તેઓ સફળતાથી ડરે છે. આમ ગળે ન ઉતરે એવી વાત છે પણ સફળતાથી ડરનારા લોકોય હોય છે. એમના સંગથીય બચવાની આ મોસમ છે. જિંદગી સદાય ભવિષ્યમાં ઝંપલાવવાની આપડને તાકાત આપે છે. વસંત ઋતુ પાસેથી એ તાકાત જ આ મોસમની આપડી કમાણી હોવી ઘટે.











































