રાજ્ય સરકાર દ્વારા દર માસના પ્રથમ રવિવારે સઘન સફાઈ, ‘કેચ ધ રેઈન’ અંતર્ગત જળસંચય તથા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અમરેલીના રાજમહેલ પરિસરમાં કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાજમહેલ તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી આસપાસ સઘન સફાઈ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ નાગરિકોએ શ્રમદાન કરી સફાઈ કામગીરીમાં જોડાયા હતા. આ દરમિયાન પરિસરમાં વધેલુ ઘાસ પણ દુર કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચના ઈ.વી.એમ. વેરહાઉસ ખાતે વડનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું. ‘ક્લિન-અપ અમરેલી’ના સ્વયંસેવકો તેમજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાયા હતા. સફાઈ દરમિયાન એકત્ર થયેલા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.






































