શહેરમાં સમૂહ લગ્નમાં થનાર મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના આંતરધર્મીય લગ્નને લઈને ઊભેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. આ સમૂહ લગ્ન આયોજન કરનાર સામાજિક સંસ્થા યશવી ચેરિટેબલ ટ્રસ્ટે ગઈકાલે આ આંતરધર્મીય લગ્નને સમૂહલગ્નમાં મોકૂફ રાખ્યા બાદ આ યુવક-યુવતીએ કાયદાકીય રીતે લગ્ન નોંધણીની પ્રક્રિયા કરી છે અને બાદમાં આ મામલે મીડિયા સમક્ષ રજૂ થઈ બંનેએ સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો કરતા સમૂહ લગ્ન આયોજક સંસ્થા ‘યશવી’ પર પ્રસિદ્ધિ મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
માહિતી મુજબ, વિગતે વાત કરીએ તો સુરત શહેરમાં ડુમસ રોડ પર આવેલા રાજઘરાના પાર્ટી પ્લોટ ખાતે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૪મી માર્ચે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ૧૦૧ યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે. જાકે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં હિન્દુ વિધિ મુજબ એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના આંતરધર્મિય લગ્ન પણ થવાના હોવાથી આ મામલે વિવાદ સર્જાયો હતો. જેથી સમાજ આગેવાનોની રજૂઆત બાદ આયોજક સંસ્થા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટે સમૂહલગ્નોત્સવમાં થનાર આ આંતરધર્મિય લગ્ન પર રોક લગાવી દીધી હતી.
જાકે, સમૂહ લગ્નમાં આંતરધર્મિય લગ્ન પર રોક લાગ્યા બાદ આ મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકે કાયદાકીય પ્રક્રિયા મુજબ લગ્ન નોંધણી કરાવી છે અને હવે દંપતિ બનેલા આ યુવક-યુવતીએ મીડિયા સામે આવી સમૂહલગ્ન આયોજક સંસ્થા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. મુદ્દો સેન્સિટીવ હોવા છતાં સંસ્થાએ મીડિયા કવરેજ મેળવવા માટે યુગલને આગળ ધપાવ્યા હોવાનો આક્ષેપ આ દંપતિ કરી રહ્યું છે.
મામલે મુસ્લિમ યુવતીએ મીડિયા સમક્ષ આવી કહ્યું કે, ‘શરૂઆતમાં હું મીડિયા સામે બોલવા તૈયાર નહોતી, છતાં સંસ્થાના પ્રતિનિધિઓએ તેને ભાવનાત્મક રીતે પ્રેરિત કરી કેમેરા સમક્ષ રજૂ કરાઈ હતી. વિવાદ વધતા જ સંસ્થાએ માત્ર અમારા લગ્ન રદ કર્યા હતા. પ્રસિદ્ધિ મેળવવા માટે તેમને અમને જાહેર મંચ પર રજૂ કર્યા, પરંતુ વિવાદ વધતા જ સંસ્થાએ પીછેહઠ કરી છે. પરિણામે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ મામલે ટીકા-ટિપ્પણીઓ થઈ રહી છે, ત્યારે આ માહોલ વચ્ચે અમારું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.’ યુગલે સંસ્થાની કાર્યવાહીથી તેઓની છબી બગડી હોવાનું કહી આક્ષેપ કર્યો કે, પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવવા માટે તેમની વ્યક્તિગત જિંદગી સાથે ખેલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, હાલ આ મામલે બંને પક્ષ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ સંસ્થા ‘યશવી’ અગાઉ પણ કેટલાક વિવાદોમાં આવી ચૂકી હોવાના અહેવાલો હાલ સામે આવી રહ્યા છે. સુરતના ચાર રસ્તા પર શહીદોના સ્મારક મુદ્દે વિવાદ, તેમજ નવરાત્રી દરમિયાન યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ ભાડે લેવા મુદ્દે ઉઠેલા પ્રશ્નો બાદ આ સંસ્થા હાલ ફરી એકવાર સમૂહ લગ્નમાં આંતરધર્મિય લગ્ન બાબતે ચર્ચામાં આવી છે. જેથી આ બાબતે શહેરમાં હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.









































