સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. ૧૬માં મંગળવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. શાળાના ધાબા પર કરંટ લાગતાં ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો.
માંનદરવાજા વિસ્તારમાં રહેતો અબ્દુલ રહેમાન મહમદ સ્લિમ સ્થાનિક વિસ્તારની સુમન સ્કૂલ નંબર ૧૬ માં ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો. સ્કૂલમાં સવારે પીટી (શારીરિક શિક્ષણ)ના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ શાળાના ધાબા પર ગયા હતા. ધાબા પર પીટિ ની એકટીવિટી પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ ધાબા પરથી ક્લાસમાં જઇ રહ્યો હતો. આ દરમિયાન અબ્દુલ રહેમાને થાંભલો પકડી લીધો હતો.
લોખંડના લાઇટના થાંભલાને અડતાં અબ્દુલ રહેમાનને જારદાર કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. શાળાના પરિસરમાં વીજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.વિદ્યાર્થીના પરિવારજનોએ શાળા તંત્રની કથિત બેદરકારીને આ ઘટનાનું કારણ ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સ્થાનિકોમાં પણ ભારે રોષ જાવા મળ્યો હતો અને શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.પોલીસે હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જા કોઈની બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ શહેરમાં શોક અને ચિંતા બંનેનું વાતાવરણ સર્જ્‌યું છે.