સાવરકુંડલા-ખાંભા રોડ પર ઘજડી ગામ પહેલાં આવેલ રેલવે ફાટકથી સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન છે. ૨૪ કલાક દરમિયાન પેસેન્જર તથા ગુડ્ઝ ટ્રેનની આશરે ૧૫થી ૨૦ વખત અવરજવર થતી હોવાથી ફાટક વારંવાર બંધ રહે છે. પરિણામે વાહનચાલકોને દર વખતે ૮થી ૧૦ મિનિટ સુધી રાહ જોવી પડે છે અને તેમનો સમય બગડે છે. દિવસ-રાત દરમિયાન વારંવાર ફાટક બંધ રહેતાં લોકોમાં મુશ્કેલી જોવા મળે છે. ફાટકમુક્ત માર્ગની વાત વચ્ચે સાવરકુંડલા-ખાંભા જેવા મહત્વના અને વાહનોની ભારે અવરજવર ધરાવતા માર્ગ પર ઘજડી ગામ નજીકના આ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવો જરૂરી બન્યો છે. પશ્ચિમ રેલવે તંત્ર અને ધારાસભ્ય દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.









































