સાવરકુંડલાના હાડિડા ગામમાં થોડા દિવસ પહેલાં આર્થિક સંકડામણ અને બાંધકામના વ્યવસાયમાં નાણાં ફસાઈ જવાના કારણે એક પિતાએ પોતાની ૫ વર્ષની માસૂમ પુત્રીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પત્નીએ તેમના પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી.હાલ દાધિયા ગામે રહેતાં મંજુલાબેન કિશોરભાઈ ધાનકે (ઉ.વ.૪૦) ભાવનગરના મહુવામાં રહેતા તેમના પતિના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ પોતાની બાંધકામની સાઇટ પર તેમના પતિને નોકરીએ રાખી, પતિના પગારની બચતના, પર્સનલ લોનના તથા સોનાની બુટ્ટી ગીરવે મૂકી મેળવેલા કુલ રૂ. ૭,૨૫,૦૦૦ પોતાની બાંધકામની સાઇટમાં રોકાણ કરાવ્યા હતા.અવારનવાર તે રોકાણના પૈસા પરત મેળવવા ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન આપી તેમના પતિને મરવા માટે મજબૂર કર્યા હતા. પૈસા ન મળવાથી ત્રસ્ત થઈને પતિને મનમાં લાગી આવતાં તેમણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. એલ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.





































