અમરેલી શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સારહી યુથ ક્લબ દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ખાતે અનોખી મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીને પ્રિય એવા મોદકના પ્રસાદ સાથે જોડાયેલી આ સ્પર્ધામાં શહેરના યુવાઓ અને મહિલાઓ સહિત કુલ ૩૪ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાને લઈને સ્પર્ધકો ઉપરાંત તેમના પરિવારજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ૪૫ મિનિટ સુધી ચાલેલી બે
તબક્કાની રસપ્રદ મોદક સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પોતાની ક્ષમતા મુજબ લાડુ આરોગ્યા હતા. સ્પર્ધા પૂર્ણ થયા બાદ આયોજકો દ્વારા વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોદક સ્પર્ધામાં હર્ષ ગૌસ્વામીએ ૧૬ લાડુ આરોગી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રથમ વિજેતાને રૂપિયા ૫,૧૦૦નો રોકડ પુરસ્કાર તેમજ સન્માનપત્ર આપવામાં આવ્યો હતો.
જ્યારે દિગંત રાણપરિયાએ ૧૫ લાડુ આરોગી દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેમને રૂપિયા ૩,૧૦૦નો રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નાનજીભાઈ ચાવડાએ ૧૩ લાડુ આરોગી તૃતીય સ્થાન મેળવતા તેમને રૂપિયા ૨,૧૦૦નો રોકડ પુરસ્કાર તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુકેશ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા, શરદભાઈ લાખાણી, તુષારભાઈ જોશી સહિત નગરપાલિકાના પૂર્વ તથા વર્તમાન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ મહોત્સવની ઉજવણીને લોકભાગીદારી અને આનંદ સાથે જોડવાના હેતુથી સારહી યુથ ક્લબ દ્વારા યોજાયેલી આ અનોખી મોદક સ્પર્ધાને ઉપસ્થિત લોકોએ આવકારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને સ્પર્ધકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





































