દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફલાયદુબઈની ફલાઈટમાં બુધવારે બનેલી ગંભીર ઘટનામાં હિંમતપૂર્વક ૧૮૦ મુસાફરોનો બચાવ કરનાર કેપ્ટન સ્મિત મચ્છરના પરિવારજનોમાં ચિંતા સાથે ગર્વની લાગણી જોવા મળી રહી છે. સાવરકુંડલામાં રહેતા તેમના કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે, “એ અમારા બનેવી થાય છે. અમને તેમની પર ગર્વ છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.” સ્મિત મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના વતની છે. તેમનો પરિવાર હાલ મુંબઈમાં સ્થાયી છે. સ્મિતનું સ્કૂલિંગ તેમજ આગળનો અભ્યાસ મુંબઈમાં જ થયો હતો. વર્ષ ૨૦૧૨માં તેમના લગ્ન થયા હતા. મુંબઈમાં આશરે ૧૧ વર્ષ નોકરી કર્યા બાદ તેઓ ફલાય દુબઈ એરલાઈન્સ સાથે જોડાયા હતા. એવિએશન ક્ષેત્રમાં લાંબા સમયની સેવા દરમિયાન તેમણે બહોળો અનુભવ મેળવ્યો હતો. સસરા જયસુખભાઈ જોગી અને સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું કે પરિવાર હાલ ચિંતિત છે. ઘટનામાં સ્મિતે પેસેન્જરોને બચાવવા હિંમતપૂર્વક કામગીરી કરી હતી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને પરિવાર ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ સ્મીત મચ્છરના પરિવારજનો સાથે ફોનમાં વાત કરી તેમની તબિયતના હાલચાલ પુછી સમગ્ર દેશવાસીઓને તેમની બહાદુરી પર ગર્વ હોવાનું જણાવ્યું હતું.






































