સાવરકુંડલા શહેરમાં અંદાજે રૂ.૯ કરોડના વિવિધ પ્રગતિશીલ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અખંડ ભારત સર્કલ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય મહેશ કસવાલાએ આ કાર્યને પોતાના જાહેર જીવનની શ્રેષ્ઠ ક્ષણ ગણાવી હતી.શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા માટે આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ પોલીસ ચોકીનું પણ ખાતમુહૂર્ત કરાયું છે, આ ઉપરાંત, જૈન ર્બોડિંગથી કબીર ટેકરી સુધીના અદ્યતન ‘આઇકોનિક રોડ’નું ખાતમુહૂર્ત કરાયું હતું. નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાએ જણાવ્યું કે આ રોડ શહેરની નવી ઓળખ બનશે.પીવાના પાણીની સુવિધા માટે નવી ટાંકી અને સ્વચ્છતા માટે વોટર બ્રાઉઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.




































