સાવરકુંડલા શહેરના મુખ્ય ગણાતા આઝાદ ચોક વિસ્તારના બિસ્માર રસ્તાને લઈને સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડી જતાં રસ્તાની હાલત અત્યંત ખરાબ બની છે અને માર્ગ મગરની પીઠ જેવો બની ગયો છે. તેના કારણે અવારનવાર વાહનો સ્લીપ થતાં અકસ્માતો સર્જાય છે. ચોમાસા દરમિયાન રસ્તા પર ભરાતા ગંદા પાણીના છાંટા રાહદારીઓ પર ઉડતાં હોવાથી લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ચોમાસું પૂર્ણ થયા પછી આ માર્ગ પર નવો રસ્તો બનાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, નવો રસ્તો બને ત્યાં સુધી રાહ જોવાને બદલે હાલની મુશ્કેલી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે ખાડાઓમાં ટાંશ પુરાણ અથવા પેચવર્ક કરવામાં આવે અને રસ્તો વાહનચાલકો તથા રાહદારીઓ માટે ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.









































