સાઉદી અરેબિયન એરલાઇન રિયાધ એર ભારતમાં તેની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. રિયાધ એરએ જાહેરાત કરી છે કે તે ૪ ઓગસ્ટથી મુંબઈ અને રિયાધ વચ્ચે દૈનિક સીધી ફ્લાઇટ્‌સ શરૂ કરશે. આ ભારતમાં રિયાધ એરની પ્રથમ સેવા હશે. કંપનીએ જણાવ્યું હતું કે મુંબઈ-રિયાધ રૂટ પર ટિકિટ બુકિંગ ૬ જુલાઈથી શરૂ થઈ ગયું છે.
રિયાદ એરએ જણાવ્યું હતું કે મુંબઈ અને રિયાધ વચ્ચેની આ દૈનિક સેવા બોઇંગ બી ૭૮૭-૯ એરક્રાફ્ટથી ચલાવવામાં આવશે. આ વિમાનમાં ચાર અલગ અલગ વર્ગો હશેઃ બિઝનેસ એલીટ, બિઝનેસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી. રિયાદ એરએ જણાવ્યું હતું કે મુંબઈ રૂટ કંપનીની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે વિશ્વના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંના એક છે. કંપનીને આશા છે કે આ સેવા વ્યવસાય અને લેઝર પ્રવાસીઓ તેમજ બંને દેશો વચ્ચે મુસાફરી કરતા વિદેશી સમુદાયોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
રિયાદ એરના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર ટોની ડગ્લાસે કહ્યું, “ભારત વૈશ્વીક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. અમને મુસાફરોને મુંબઈથી રિયાધ અને આગળ યુરોપ સુધી સુધારેલ વૈશ્વીક કનેકટીવિટી સાથે એક નવો પ્રીમિયમ વિકલ્પ ઓફર કરવાનો આનંદ છે.”
એરલાઈને જણાવ્યું હતું કે આ નવો રૂટ તેના નેટવર્કને નવ સ્થળો સુધી વિસ્તૃત કરે છે અને સાઉદી અરેબિયા અને મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક હબ વચ્ચે જોડાણને મજબૂત બનાવવાની તેની યોજનાને સમર્થન આપે છે. માર્ચ ૨૦૨૩ માં શરૂ થયેલી સાઉદી અરેબિયન એરલાઈન રિયાદ એરના એક નિવેદન અનુસાર, તેનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં વિશ્વભરના ૧૦૦ થી વધુ સ્થળો સુધી તેના ફ્લાઇટ નેટવર્કને વિસ્તૃત કરવાનું છે.
રિયાદ એરની વેબસાઇટ પરની માહિતી અનુસાર, આ સાઉદી અરેબિયન એરલાઈન હાલમાં યુનાઇટેડ કિંગડમમાં લંડન અને માન્ચેસ્ટર, સાઉદી અરેબિયામાં જેદ્દાહ, સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ, ઇજિપ્તમાં કૈરો અને સ્પેનમાં મેડ્રિડ માટે દૈનિક ફ્લાઇટ્‌સનું સંચાલન કરે છે.