ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હાલમાં વ્યસ્ત શેડ્યૂલનો સામનો કરી રહ્યા છે. વેસ્ટ ઈન્ડીઝ સામે ૨-૦થી ટેસ્ટ શ્રેણી જીત્યાના માત્ર ૨૪ કલાક પછી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. નવી દિલ્હીમાં શ્રેણી સમાપ્ત થતાં જ, ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા જવા માટે ફ્લાઇટમાં ચઢતા જોવા મળ્યા. આ દરમિયાન, વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ એરપોર્ટ પર જોવા મળ્યા, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નવી દિલ્હીના ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક જાજોવા માટે ઉમટી પડ્યા હતા. સૌથી મોટી ભીડ વિરાટ કોહલીની હતી, જે માર્ચ ૨૦૨૫ પછી પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ભારતીય ટીમ ૧૯ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની  વનડે શ્રેણી રમવાની છે. ત્યારબાદ, ટી ૨૦ ટીમ એક અઠવાડિયા પછી ટીમમાં જોડાશે. વર્તમાન ક્રિકેટ કેલેન્ડરને કારણે, ખેલાડીઓ સતત શ્રેણી અને ટુર્નામેન્ટમાં વ્યસ્ત રહે છે, જેના કારણે તેમને આરામ કરવાનો સમય મળતો નથી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ આ વ્યસ્ત શેડ્યૂલથી સૌથી વધુ પ્રભાવિત દેખાય છે. તે હાલમાં ટેસ્ટ અને વનડે ટીમોની કેપ્ટનશીપ કરે છે, જ્યારે ટી ૨૦ ટીમના ઉપ-કેપ્ટન તરીકે પણ સેવા આપે છે. ઇંગ્લેન્ડ સામેની લાંબી ટેસ્ટ શ્રેણી પછી ભારતને થોડો વિરામ મળ્યો હોવા છતાં, ટીમ એશિયા કપથી સતત ક્રિકેટ રમી રહી છે.

૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો. આ પછી તરત જ, ૨ ઓક્ટોબરના રોજ વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ અમદાવાદમાં રમાઈ હતી, અને ૧૪ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં શ્રેણી પૂર્ણ થઈ હતી. હવે, ફક્ત પાંચ દિવસ પછી, ટીમ વનડે શ્રેણી માટે પર્થમાં લગભગ ૮,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારતીય ટીમનું વ્યસ્ત શેડ્યૂલ અહીં સમાપ્ત થશે નહીં. ઓસ્ટ્રેલિયામાં  વનડે અને ટી૨૦ શ્રેણી પછી, ટીમ ૧૪ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. પરિણામે, આગામી થોડા અઠવાડિયા ખેલાડીઓ માટે અત્યંત પડકારજનક રહેશે.