કિડની શરીરનું મહત્વનું અંગ છે. તેને સમજવા અને કાળજી માટે વિચાર આપવા સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ગુરૂવારે જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૨૬મા થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવ માત્રને જીવવું છે માણસને તો જીવી લેવું છે. પરંતુ જીવવા માટે તંદુરસ્ત શરીરની જરૂર છે. સારી તંદુરસ્તી માટે શરીરને સમજીને કાળજી લેવાની જરૂર છે. ખરેખર શરીર ખુદ વૈદ છે. આ તકે શહેરના જાણીતા યુરોલોજીસ્ટ સર્જન ડો. અશ્વિનભાઈ ગાબાણીએ “કિડની એક મહત્વનું અંગ” વિષયક
વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કિડનીનું કામ લોહીનું શુદ્ધિકરણ કરવાનું અને શરીરનો વધારાનો કચરો બહાર કાઢવાનું છે. ડાયાબિટીસ તથા બી.પી. કીડનીને મોટું નુકસાન કરે છે. વધુ પડતી પેઈનકીલર દવા લેવાથી કિડનીને વધુ નુકસાન થાય છે. વધારે પડતો મીઠા (ખારો) વાળો ખોરાક લેવાથી પથરીને આમંત્રણ આપીએ છીએ. આખો દિવસ સતત પાણી પીતું રહેવાથી પથરી થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે.


































