વડોદરામાંથી ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ આતંકી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામની તપાસમાં નવી અને સંવેદનશીલ વિગતો સામે આવી છે. ૨૭ નવેમ્બરના રોજ હાલોલ-વડોદરા હાઈ-વે નજીક જરોદ પાસેથી અત્યાધુનિક એકે-૪૭ સાથે પકડાયેલા આ શખ્સને કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછ અને ડિજિટલ પુરાવાઓના આધારે સુરક્ષા એજન્સીઓએ તપાસનો વ્યાપ વધાર્યો છે.
તપાસ એજન્સીઓને આરોપીના મોબાઈલમાંથી મહત્વના ફોટા અને વીડિયો હાથ લાગ્યા છે, જેનાથી તેણે શહેરમાં અલગ-અલગ જગ્યાઓની રેકી કરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આતંકી શાહરૂલના ફોનમાંથી ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી મહાનગરપાલિકાની કચેરીના ફોટા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ તેણે આ વિસ્તારની દેખરેખ રાખવા માટે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો. અગાઉ દરજિપુરા એક્સપ્રેસ સ્ટેશનના પ્રવેશદ્વારના ચાર ફોટા મળ્યા બાદ, હવે વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટના ફોટા અને વીડિયો પણ તેની ગેલેરી તથા વોટ્‌સએપ ચેટમાંથી મળી આવ્યા છે. એકથી વધુ મહત્વપૂર્ણ સ્થળોની વિગતો એકત્ર કરાઈ હોવાથી આરોપીના નિશાના પર માત્ર એક જ નહીં, પરંતુ અનેક સ્થળો હોવાની શક્યતા તપાસાઈ રહી છે.
ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે શાહરૂલ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ‘ઈબ્ન અબ્દુલ્લા’ના સંપર્કમાં હતો. આ હેન્ડલરના ઈશારે જ તેણે આસામથી વડોદરા સુધીની સફર કરી હતી અને એરફોર્સ સ્ટેશન સહિતની માહિતી સરહદ પાર મોકલી હોવાનું મનાય છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જૂનો મોબાઈલ બંધ કરીને નવો ફોન ખરીદવા માટે આરોપીને ૫૦,૦૦૦ રૂપિયા રોકડા મળ્યા હતા. શ†ો મેળવવા અને સંવેદનશીલ વિસ્તારોના દ્રશ્યો કેદ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેના ફોનમાંથી છદ્ભ-૪૭ જેવી ઓટોમેટિક રાઈફલ ચલાવવાની ટ્રેનિંગને લગતા વીડિયો પણ મળ્યા છે
આરોપીના વતન આસામમાં પહોંચેલી એટીએસની ટીમે તેના ઘરની ઝડતી લીધી હતી. શોધખોળ દરમિયાન ત્યાંથી જૈશ-એ-મોહમ્મદ સંબંધિત કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યું છે, જ્યારે ઘરના એક ડબ્બામાંથી તેનો જૂનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. પૂછપરછમાં આરોપીએ કોઈપણ ખચકાટ વગર પોતાની કટ્ટરવાદી વિચારસરણી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે. તેણે એવો પણ ઈરાદો દર્શાવ્યો છે કે કોઈ મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ પાકિસ્તાન જઈને જૈશમાં જોડાવું હતું અથવા તો કાર્યવાહી દરમિયાન મોતને ભેટવું હતું. આ ઉપરાંત તે વિવિધ કટ્ટરવાદી ઓનલાઈન ગ્રુપ સાથે જોડાયેલો હોવાનું અને અન્ય યુવાનોને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના સંકેત મળ્યા છે.
શાહરૂલના નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલ કે મદદગારોને શોધવા માટે ગુજરાત એટીએસની ટીમો વડોદરા, દાહોદ, ઉત્તર પ્રદેશ અને આસામમાં સઘન કાર્યવાહી કરી રહી છે. સ્થાનિક સ્તરે તેને કોઈ મદદ પૂરી પાડી છે કે કેમ, તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.