લીલીયા તાલુકાની ગુંદરણ પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓની અમરેલી ખાતે એક દિવસીય શૈક્ષણિક મુલાકાત યોજાઈ હતી. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ અમૂલની સબસિડિયરી બ્રાન્ચ અમર ડેરીની મુલાકાત લઈ દૂધના પ્રોસેસિંગ, પેકિંગ અને ડેરી પ્લાન્ટના સંચાલન અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ અમરેલી એરપોર્ટ ખાતે ગુજરાત ફ્‌લાઇંગ ક્લબના પાઇલોટ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈ પાઇલોટ કેવી રીતે બનવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિમાનના કોકપિટનાં સાધનો તેમજ રનવે પરથી વિમાનના ટેકઓફ અને લેન્ડિંગના દૃશ્યો નિહાળ્યા હતા. ઉપરાંત દાદા ભગવાન ત્રિમંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કળાથી પરિચિત થયા હતા. આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી મુલાકાત બદલ સંસ્થાઓનો આભાર માન્યો હતો.