૧૨,૦૦૦થી વધુની વસ્તી ધરાવતા લીલીયા ગામમાં છેલ્લા ચાર મહિનાથી કાયમી ગ્રામ પંચાયત મંત્રી અને રેવન્યુ મંત્રીની જગ્યા ખાલી હોવાથી વહીવટી કામગીરી ખોરવાઈ ગઈ છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર અમલવારી કરવામાં આવી નથી. હાલમાં મંત્રીને માત્ર સોમવાર અને ગુરુવાર એમ બે દિવસ ફાળવવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ મંત્રી પ્રસંગોપાત બહાર હોય અથવા મીટિંગમાં વ્યસ્ત હોય ત્યારે હાજર રહી શકતા નથી. પરિણામે, આવકના દાખલા, જન્મ-મરણના દાખલા અને અન્ય જરૂરી વહીવટી કામો માટે અરજદારોને પંચાયતના ધક્કા ખાવા પડે છે. સરપંચ વિજયભાઈ રોખલીયાના જણાવ્યા અનુસાર, ૧૧-૧૨-૨૦૨૫ના રોજ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ગામમાં કાયમી તલાટી અને રેવન્યુ મંત્રીની નિમણૂક થાય તેવી ગ્રામજનોની માંગ છે.