લાઠીના જરખિયા ગામે ૩૮ તોલા સોનાના ઘરેણાં તથા તેનો સાચો હિસાબ ન આપીને વિશ્વાસઘાત કરવા બદલ નાના ભાઈએ સગા મોટા ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.હાલ મોરબીમાં રહેતા મૂળ જરખિયા ગામના પ્રાગજીભાઈ મધુભાઈ બરવાળિયા (ઉ.વ.૫૫)એ શંભુભાઈ મધુભાઈ બરવાળિયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના તથા પરિવારજનોના આશરે ૪૦ તોલા સોનાના ઘરેણાં ગોલ્ડ લોન મેળવવા માટે પોતાના મોટા ભાઈ એવા આરોપી શંભુભાઈ મધુભાઈ બરવાળિયાને વિશ્વાસે આપેલા હતા.આરોપી મોટા ભાઈએ પોતાના આશરે ૧૫ થી ૧૬ તોલા સોનાના ઘરેણાં સાથે સદરહું ઘરેણાં યુકો બેંક, લાઠી શાખામાં પોતાના નામે ગિરવે મૂકી તા. ૧૧/૦૪/૨૦૧૮ના રોજ રૂ.૮,૬૦,૦૦૦ની ગોલ્ડ લોન લીધી હતી. મંજૂર થયેલી લોનની રકમમાંથી રૂ. ૬,૦૦,૦૦૦ તેઓ મોરબી ખાતે પોતાના ધંધા માટે લઈ ગયા હતા અને બાકીના રૂ. ૨,૬૦,૦૦૦ આરોપીએ પોતાના ધંધા માટે રાખ્યા હતા.
ત્યારબાદ આરોપીએ તેમની આશરે બે તોલાની એક સોનાની ચેન પરત આપી હતી, જ્યારે બાકીના આશરે ૩૮ તોલા સોનાના ઘરેણાં તથા તેનો સાચો હિસાબ વારંવારની માગણી કરવા છતાં પરત આપ્યા નહોતા. તેમજ બેંક લોન ટ્રાન્સ્ફર કરવા અંગે જણાવવા છતાં તે પણ ન કરીને વિશ્વાસઘાત કર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયા વધુ તપાસ કરી રહ્યા છે.










































