રાજુલા શહેરમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ બંધ દુકાનો અને વાડી વિસ્તારના મકાનોને નિશાન બનાવવાની ફિરાકમાં ફરતા એક પરપ્રાંતીય શખ્સને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. રાજુલા પોલીસની ટીમ જ્યારે રાત્રિ પેટ્રોલિંગમાં હતી, ત્યારે અંધારામાં એક અજાણ્યો શખ્સ શંકાસ્પદ હલચલ કરતો જોવા મળ્યો હતો. આ પરપ્રાંતીય બાબુ લાલુ મસાર (ઉ.વ. ૩૦) રાત્રિના સમયે બંધ દુકાનોની આસપાસ અને સીમ વિસ્તારમાં આવેલી વાડીઓના મકાનોના તાળાં ફંફોળતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.પોલીસે સજાગતા દાખવીને આ શખ્સને કોર્ડન કરી તુરંત જ ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તે કોઈ ચોક્કસ કારણ વગર લપાતો-છુપાતો ભટકતો હોવાનું અને તેનો ઈરાદો ચોરી અથવા મિલકત સંબંધિત ગુનો કરવાનો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને તે અગાઉ કોઈ ગુનાખોરીમાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.








































