રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી કાર્યરત ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. કુંભારિયા, વાવેરા અને વાવડી સેન્ટરને દિલ્હીની ટીમ દ્વારા કરવામાં આવેલા એસેસમેન્ટમાં ઊંચા ગુણ પ્રાપ્ત થતા આ ગૌરવવંતી સિદ્ધિ મળી છે. કુંભારિયાને ૮૯.૫૯%, વાવેરાને ૮૨.૪૪% અને વાવડીને ૯૨.૫૬% ગુણ પ્રાપ્ત થયા છે. આ ઉચ્ચ ગુણાંક સાથે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આ ત્રણેય કેન્દ્રોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જે રાજુલા તાલુકાના આરોગ્ય ક્ષેત્રે એક અનેરી સિદ્ધિ અને ગૌરવવંતી બાબત છે.