બાબરા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ બાબરામાં એસ. ટી. ડેપો ફાળવવા રજૂઆત કરી છે. બાબરા શહેર અમરેલી જિલ્લાના મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો માટે વેપાર, શિક્ષણ, આરોગ્ય તથા રોજગારનું કેન્દ્ર છે. દરરોજ હજારો મુસાફરો બાબરા શહેરમાંથી અમરેલી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિતના શહેરોમાં આવન-જાવન કરે છે. છતાં, આજદિન સુધી બાબરા શહેરને પોતાનો સ્વતંત્ર એસ.ટી. ડેપો ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધારાસભ્ય જનક તળાવીયાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, એસ.ટી. ડેપો ન હોવાના કારણે બસોની સંખ્યા મર્યાદિત રહે છે, સમયસર બસ સેવા મળતી નથી તેમજ વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મહિલાઓ અને વયસ્ક નાગરિકોને ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો બાબરા શહેરને અલગ એસ.ટી. ડેપો ફાળવવામાં આવે તો સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.









































