રાજુલાના હિંડોરણા ગામે એક વેપારીને ‘હવે જો માટી બાબતે પૂછશો તો જીવતો નહીં રહેવા દઉં’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ‘તારા પિતાને સમજાવી દેજે, ગાળો ન બોલે નહીંતર મજા નહીં આવે’ કહી વેપારીના દીકરાને પણ ધમકાવવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વેપારી આતુભાઈ ઉકાભાઈ મકવાણા (ઉ.વ.૫૬)એ ધર્મેશ ઘનશ્યામભાઈ જીંજાળા, ચિરાગ જીંજાળા અને દીપક ઘનશ્યામભાઈ જીંજાળા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી નવી માંડરડી ગામે ગયા હતા. સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં હિંડોરણા ગામે આવેલી તેમની માલિકીના સર્વે નં. ૬૪ પૈકી ૩ તીરુપતિ હાઉસિંગના પ્લોટ નં. ૭માંથી ટ્રેક્ટર તથા જેસીબી વડે માટી ઉપાડીને નુકસાન કરવામાં આવ્યું હતું.આથી વેપારીએ આરોપી ધર્મેશ તથા ચિરાગને પ્લોટમાં માટીના નુકસાન અંગે પૂછતાં ધર્મેશે કહ્યું કે, ‘હવે જો માટી બાબતે પૂછશો તો જીવતો નહીં રહેવા દઉં’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત, આરોપી દીપકે વેપારીના દીકરા મહેશભાઈને ફોન કરીને ‘તારા પિતાને સમજાવી દેજે ગાળો ન બોલે, નહીંતર મજા નહીં આવે’ તેમ કહી ધમકી આપી હતી. આરોપીઓએ પ્લોટમાંથી માટી કાઢીને આશરે રૂ. ૪૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. જે. કાતરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.