છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની પેટાચૂંટણી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ યોજાઈ હતી, જેનું પરિણામ આજે ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જાહેર થઈ ગયું છે. જેમાં ૭૫૨ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાની ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.
ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવાને કુલ ૧૧૦૮ મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશબેન રાઠવાને ૩૨૬ મત અને કોંગ્રેસ ઉમેદવાર અર્જુનભાઈ રાઠવાને ૩૫૬ મત મળ્યા છે. આમ ભાજપના ઉમેદવાર રજની રાઠવા ૭૫૨ મતની લીડથી વિજેતા બન્યા છે.
આપને જણાવી દઈએ કે, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અનુ. આદિજાતિના બેઠક પરથી ગઈ ટર્મમાં ચૂંટાયેલા મંજુલાબેન કિશનભાઇ કોલીનો જાતિનો દાખલો જિલ્લા કલેક્ટરે રદ કરતા તેઓનું પ્રમુખપદ અને સભ્યપદ છીનવાઈ ગયું હતું. જેથી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
વોર્ડ નંબર ૪માં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર જાવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ રજનીબેન જયદીપભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે અર્જુનભાઈ રાઠવા ટિકિટ આપી હતી. તો આમ આદમી પાર્ટીએ કૈલાશબેન રાઠવાને ટિકિટ આપી હતી.
જાકે, હવે છોટાઉદેપુર વોર્ડ નંબર ૪ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે બાજી મારી લીધી છે. ૭૫૨ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાની ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.








































