દિલ્હીની એક કોર્ટે શનિવારે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સીલર તાહિર હુસૈનને ૨૦૨૦ના ઉત્તરપૂર્વ દિલ્હી રમખાણો સંબંધિત દયાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક કેસમાં રમખાણો ભડકાવવાનો દોષિત ઠેરવ્યો હતો. જા કે, કોર્ટે આ કેસમાં ૧૨ અન્ય સહ-આરોપીઓને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા.
વધારાના સત્ર ન્યાયાધીશ પ્રવીણ સિંહે તાહિર હુસૈનને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૭ (હુલ્લડો માટે સજા) અને ૧૦૯ (ઉશ્કેરણી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જ્યારે તેમને અન્ય આરોપોમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે તાહિર હુસૈનની સજાની લંબાઈ અંગે દલીલો સાંભળવા માટે ૧૬ નવેમ્બરની તારીખ નક્કી કરી છે. કેસમાં વિગતવાર આદેશ હજુ જારી કરવાનો બાકી છે.
આ કેસમાં કુલ ૧૩ આરોપીઓના નામ જાહેર કરાયા હતા, જેમાં તાહિર હુસૈન, મોહમ્મદ શાદાબ, શાહ આલમ, રિયાસત અલી, ગુલફામ, રાશિદ, મોહમ્મદ રીહાન, મોહમ્મદ આબિદ, અરશદ કય્યુમ, ઇર્શાદ અહેમદ, દીપક સિંહ સૈની, નવનીત અને મહેક સિંહનો સમાવેશ થાય છે.
આ બધા પર રમખાણો, મિલકતને નુકસાન પહોંચાડવા, આગ લગાડવા અને ગુનાહિત કાવતરું ઘડવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે તાહિર હુસૈનને બે ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને બાકીના આરોપોમાંથી તેમને મુક્ત કર્યા હતા, જ્યારે બાકીના ૧૨ સહ-આરોપીઓને બધા આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, બીજી કોર્ટે ૨૦૨૦ ના ઉત્તરપૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો અધિકારી અંકિત શર્માની હત્યા સંબંધિત કેસમાં તાહિર હુસૈન અને અન્ય ચાર લોકોને દોષિત ઠેરવ્યા હતા.
આ મામલો અંકિત શર્માના પિતા રવિન્દ્ર કુમારની ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર પરથી ઉદ્ભવ્યો છે. તાહિર હુસૈનનું નામ સામે આવ્યા બાદ તેને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૦ માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા હતા, ઘણા લોકો ઘાયલ થયા હતા અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું.