સુરત નવી સિવિલ હોસ્પીટલમાં રેસિડેન્ટ ડા.હર્ષ પંડ્યાના ચકચારી આત્મહત્યા કેસમાં પોલીસે બે મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. ખડોદરા પોલીસે ભાવનગરની ૨૫ વર્ષીય દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની ૨૭ વર્ષીય હિના ભૂતનીની ધરપકડ કરી છે જ્યારે ફરાર ૨ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
પોલીસે આ કેસમાં ૪ ડોક્ટરોને આરોપીઓ બનાવ્યાં છે જેમાં બે મહિલા આરોપી દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપીઓ ફરાર છે.
સુરત સિવિલ હોસ્પીટલમાં કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં ૮ ઓગસ્ટની મધ્યરાત્રિએ ડા. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઇન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ ૧૫ ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
સુરતની નવી સિવિલ હોસ્પીટલની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડાક્ટર હર્ષ પંડ્યાના રહસ્યમય આપઘાતના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં હર્ષ પંડ્યાને ચાર સિનિયર રેસિડેન્ટ ડાક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ચાર સિનિયર ડાક્ટરોમાંથી ત્રણ મહિલા છે. આરોપ છે કે તેઓ હર્ષ પંડ્યાને ગાળો આપી અપમાનિત કરતા અને કલાકો સુધી માનસિક રીતે હેરાન કરતા હતા.તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે સિનિયર ડાક્ટરો હર્ષને ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને અપમાનિત કરતા હતા. લાંબા સમય સુધી ટોર્ચરિંગ અને સતત માનસિક દબાણના કારણે હર્ષ પર ગંભીર અસર પડી હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.








































