ભાવનગર શહેરમાં જર્જરિત મકાનો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના પાનવાડી વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા લોકોને ઇજા થઇ હતી. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ૪૯૭ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.
ભાવનગરના પાનવાડી વિસ્તારમાં ૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બે માળનું જર્જરિત મકાન રિનોવેશનની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયું હતું. પાનવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને શહેરની જર્જરિત બિલ્ડીંગને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.
પાનવાડી વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટનાને લઇને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી ધવલ પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે ભાવનગર શહેરની અંદર પાનવાડીથી ચાવડીગેટ જવાના માર્ગ ઉપર એક મકાન ધરાશાયી થયું હતું. મહાનગરપાલિકાની અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘર છે તેનું રિનોવેશનનું કામ ચાલતું હતું ત્યારે મકાન ધરાશાયી થયું હતું જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા થઇ છે.
એસ્ટેટ વિભાગના અધિકારી ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “મહાનગરપાલિકા દ્વારા કૂલ ૪૯૭ જેટલી મકાનોને નોટિસ આપવામાં આવી છે, તે પૈકીની ૧૦૪ જેટલી મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ૯૬ જેટલી મિલકતો ભયગ્રસ્ત છે તેના મિલકત ધારકો દ્વારા ખાલી કરી આપવામાં આવી છે.”
ધવલ પટેલે જણાવ્યું હતું કે, ૧૭૦ જેટલી મિલકતો સમયસર ખાલી નહીં થઇ હોવાના કારણે
મહાનગરપાલિકા દ્વારા ગટર, પાણી કનેક્શન કાપી નાખવા હુકમ કરવામાં આવ્યો છે. ૭૦ જેટલા મિલકત ધારકો દ્વારા રીનોવેશન કરવામાં આવ્યું છે જ્યારે ૧૭ જેટલી મિલકતો જર્જરિત હોવાને કારણે આરએન્ડબી વિભાગને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.







































